•ભરૂચ ખાતે કોંગ્રેસનો જન જાગરણ અભિયાન પંડિત ઓમકારનાથ ઠાકોર હૉલમાં યોજાયો હતો.
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઇને તમામ રાજકીયપક્ષો તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ જન જાગૃતિ અભિયાન રાજયભરમાં ચાલી રહ્યું છે તેની સાથે જ સભ્ય નોંધણી અભિયાન પણ ચલાવામાં આવી રહ્યું છે.
આજરોજ ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે જિલ્લા કોગ્રેસ દ્વારા ‘સભ્ય નોંધણી’ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. ત્યાર બાદ શહેરના શક્તિનાથ વિસ્તાર પાસે આવેલા પંડીત ઓમકાનાથ ઠાકુર હૉલ ખાતે ‘જન જાગૃતિ અભિયાન’ અંતર્ગત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગુજરાત કોગ્રેસ પ્રભારી રઘુનાથ શર્મા સહિત એ.આઇ.સી.સી.ના સેક્રેટરી બિશ્વરંજન મોહંતી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, સાંસદ નારણ રાઠવા તેમજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર સહિત જિલ્લાના અને તાલુકા આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતુ કે સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા સદસ્ય ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુમાં વધુ લોકો કોંગ્રેસમાં જોડાય એ અમારો ધ્યેય છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે બુથ લેવલથી સ્ટેટ લેવલ સુધી કોંગ્રેસનું સંગઠન મજબૂત બને એ માટે અમે આવ્યા છે. તા. ૧૪ થી ૨૮ નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં જન જાગરણ અભિયાન કાર્યક્રમ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે દેશના લોકોની જે સમસ્યાઓ છે એને ઉજાગર કરવાની અને લોકોની જે તકલીફો છે એમનો અવાજ બનવાનું કામ કોંગ્રેસે કરવાનું છે. ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું, ખેડૂતોને કૃષિ કાયદા મંજુર નથી જે સરકારે આજે પરત ખેંચવાનો નિર્ણય લીધો છે.
વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પણ સરકાર પર આકરા પ્રહારો કરી ભાજપ સરકારને આડે લીધી હતી. ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ત્રણ કૃષિ કાયદા મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને ફાયદા કરાવવાના સરકાર પર આક્ષેપ કર્યા હતા. દેશના લાખો કરોડો ખેડૂતો રસ્તા પર ઉતરી કાળા કાયદા સામે વિરોધ કર્યો છે. પરંતુ ભાજપની જીદના કારણે કાળા કાયદાના અમલની શરૂઆતના પણ આક્ષેપો કર્યા હતા. ખેડુતો મક્કમ હોવાના કારણે ખેડૂતોની જીત થઈ હોવાનું તેમજ આમાં જે ખેડૂતોએ શહાદત વ્હોરી તેમની શહાદત એળે નથી ગઈનું પણ જણાવ્યું હતું. કોંગ્રેસ આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.