• નિરામય ગુજરાત અભિયાનનો નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલના હસ્તે શુભારંભ કરાયો
• દર શુક્રવાર નિરામય દિવસ તરીકે ઉજવાશે
• નિરામય દિવસે નિષ્ણાંત તબીબોની ટીમ ધ્વારા ગ્રામીણ અને શહેરી કક્ષાએ મેડીકલ ક્મ્પ યોજાશે
નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત સ્વસ્થ સમાજના નિર્માણ માટે રાજય સરકારના સરાહનીય પ્રયાસો છે તેમ નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલે ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે નિરામય ગુજરાત કાર્યક્રમના શુભારંભ પ્રસંગે જણાવ્યું હતું.
આ વેળાએ નિરામય ગુજરાત અભિયાન શુભારંભ અંતર્ગત નિઃશુલ્ક મેગા હેલ્થ કેમ્પનું નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલ, જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરા સહિત મહાનુભાવોએ સ્થળની મુલાકાત અને સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું.
નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતાં તેમજ સૌ નિરોગી રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પ્રજાજનો નિરોગી રહે તેની ચિંતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કરી છે.
સર્વે સંતુ નિરામયા, નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત લોકોના આરોગ્યની સુખાકારી તેમજ બીનચેપી રોગો માટે સ્ક્રીનીંગથી સારવાર સુધીનું આ મહાઅભિયાન રહેશે. આ અભિયાન હેઠળ રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરપાલિકા વિસ્તારમાં આ કાર્યક્રમની એક સાથે શરૂઆત કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે એક જબરજસ્ત સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમની શરૂઆત કરી છે. આ કાર્યક્રમ ધ્વારા ૩૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને લાભ મળવાનો છે. દર શુક્રવાર નિરામય દિવસ તરીકે ઉજવાશે. નિરામય દિવસે નિષ્ણાંત તબીબોની ટીમ ધ્વારા ગ્રામીણ અને શહેરી કક્ષાએ મેડીકલ કેમ્પનું આયોજન કરાશે. આ યોજના અંતર્ગત તપાસ, દવા વગેરે વિનામુલ્યે આપવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, નિરામય ગુજરાત અંતર્ગત લોહીનું ઉંચુ દબાણ (હાઈપરટેન્શન) મધુપ્રમેહ (ડાયાબીટીસ), મોઢા, સ્તન, ગર્ભાશયના મુખનું કેન્સર, કિડનીની બિમારી, પાંડુ રોગ(એનેમિયા), કેલ્શિયમની ઉણપ જેવા રોગોની સારવાર ઉપલબ્ધ બનવાની છે ત્યારે આ કેમ્પનો મહત્તમ લાભ લેવાની અપીલ જિલ્લાવાસીઓને તેમણે કરી હતી.
ભરૂચ જિલ્લામાં પાંચ લાખ એકસઠ હજાર જેટલાં લોકો આ અભિયાનનો લાભ લઈ શકે છે તેમ જણાવી બિનચેપી રોગોની આપણને ખબર હોતી નથી પરંતુ સમયસર તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે. જેથી રોગોની જરૂરી સારવાર આપણને સમયસર મળી શકે છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના પ્રયત્નોને કારણે વધુમાં વધુ રસીકરણ આજે દેશમાં થઈ રહ્યું છે જેને કારણે આપણને કોરોના સામે પ્રતિરક્ષણ મળ્યું છે. આ વેળાએ તેમણે આરોગ્ય વિષયક અનેકવિધ યોજનાઓની માહિતી આપી હતી.
પ્રારંભે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સ્વાગત પ્રવચન કરતાં સૌને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવતાં સર્વે સંતુ નિરામય અભિયાન અંતર્ગત નિરામય ગુજરાત અભિયાનના સેવાયજ્ઞમાં આપણે સૌ ભાગીદાર બનીએ. આ અભિયાન ભરૂચ જિલ્લાના તમામ નાગરિકો સુધી પહોંચે તેવું સુદઢ આયોજન કરવા ઉપસ્થિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં નિરામય કાર્ડ, ડીજીટલ હેલ્થ આઈ.ડી., માં કાર્ડ, પી.એમ.જે.વાય કાર્ડનું લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે એનાયત કરાયા હતા. ઉપસ્થિત લોકોને નિરોગી રહેવા માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. પાલનપુર ખાતેથી મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને નિરામય ગુજરાત અભિયાનના રાજ્યકક્ષાના શુભારંભ કાર્યક્રમનું લાઈવ ટેલીકાસ્ટ સૌએ નિહાળ્યું હતું.
અંતમાં આભારવિધિ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરાએ કરી હતી. નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખશ્રી અમીતભાઇ ચાવડા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશભાઇ મિસ્ત્રી,,સીવીલ સર્જન ડો.એસ.આર.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી મુનીરા શુકલા, આગેવાન પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારી- કર્મચારીઓ, લાભાર્થીઓ, નગરજનો ઉપસ્થિત રહયા હતા.
[breaking-news]
Date: