અંકલેશ્વરના જી.આઈ.ડી.સીમાં આવેલી કે.વી.કંપનીમાં અચાનક આગ લાગી હતી. ગોડાઉનમાં રહેલા લાકડામાં આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગોડાઉન ભડકે બળવા લાગ્યું હતું. આ અંગે સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરતા ડી.પી.એમ.પીના બે જેટલા ફાયર ટેન્ડરો સ્થળ પર દોડી આવ્યાં હતા. ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે કોઈને પણ જાનહાની નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, લાકડાઓનો જથ્થો બળીને ખાક થઈ જતા હજારોનું નુકસાન થયું છે. દિવાળી તહેવારમાં ફોડવામાં આવેલા રોકેટને કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.
આ ઉપરાંત આગની એક બીજી ઘટના પણ સામે આવી છે. જેમાં ભડકોદ્રા ગામની સીમમાં આવેલા શેરડીના ઉભા પાકમાં આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે શેરડીનું ખેતર ભડકે બળવા લાગ્યું હતું. આગને બુજાવવા ખેડૂતોએ દોડી આવી પાણીનો છંટકાવ કર્યો હતો. આ ઘટનામાં કોઈને પણ જાનહાની થઈ ન હતી.જોકે, આગની ઘટનામાં શેરડીનો પાક બળીને ખાક થઈ જતા ખેડૂતને નુકસાન થયું છે.
આગની ત્રીજી ઘટના અંકલેશ્વર શહેરના સર્વોદય નગરમાં બની છે. જ્યાં તાડના વૃક્ષમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. જે આગને પગલે સ્થાનિકોમાં નાસભાગ મચી હતી. આગના તણખા વૃક્ષ નીચે આવેલા ઝૂપડામાં પડતા ઝૂપડું આગની લપેટમાં આવી ગયું હતું. આગને કારણે સ્થાનિકો દોડી આવ્યાં હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈને પણ જાનહાની થઈ ન હતી. આમ આગની ત્રણેય ઘટના દિવાળીમાં ફોડવામાં આવતા ફટાકડા પગલે લાગી હોવાનું અનુમાન છે.