ટી20 વર્લ્ડ કપમાં રમી રહેલી પાકિસ્તાની ક્રિકેટ ટીમનો કોચ અને ભૂતપૂર્વ ઓફ સ્પિનર સકલીન મુસ્તાક માને છે કે ભારત અને પાકિસ્તાનની ટીમ ફાઇનલમાં રમે તે તેના માટે મહાન બાબત બની રહેશે. બંને ટીમ ફાઇનલમાં રમે તે અંગે સકલીન મુસ્તાક આશાવાદી છે. સકલીને જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાને વર્લ્ડ કપની પ્રારંભિક મેચમાં મિત્રતાનો સંદેશ પ્રસારિત કર્યો હતો. રવિવારે બંને કટ્ટર હરીફ વચ્ચે રમાયેલી મેચમાં પાકિસ્તાનનો દસ વિકેટે વિજય થયો હતો. સકલીન મુસ્તાકે જણાવ્યું હતું કે એ દિવસે બંને ટીમ જે રીતે રમી અને પરિસ્થિતિનો સામનો કર્યો તેનાથી બંને પક્ષે માનવતાનો સંદેશ આપ્યો હતો.
તેઓ ફરીથી ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાય તેમ ઇચ્છે છે તેવા પ્રશ્નનો ઉત્તર આપતાં સકલીન મુસ્તાકે જણાવ્યું હતું કે ભારતીય ટીમ ફાઇનલમાં પ્રવેશે તો તે મહાન બાબત હશે અને અમે તેમને હરાવ્યા છે તે માટે નહીં પરંતુ મારું માનવું છે કે ભારત અત્યારે સૌથી મજબૂત ટીમ છે અને લગભગ તમામ લોકો વિરાટ કોહલીની ટીમને ફેવરિટ માને છે. તેણે ઉમેર્યું હતું કે ભારત અને પાકિસ્તાન આવી રીતે બે મેચ રમશે તો સંબંધો વધુ મજબૂત બનશે. અગાઉ રવિવારે રમાયેલી મેચમાં વિરાટ કોહલી, ધોની અને અમારા કેટલાક ખેલાડીએ એકતાનું પ્રદર્શન કર્યું હતું તે માનવતા માટે એક મજબૂત સંદેશ હતો. અમે તમામ લોકો એકબીજાનો આદર કરીએ છીએ અને અમારા માટે આ એક રમત માત્ર છે.