સુશાસન સપ્તાહ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આજ રોજ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે પ્રાકૃત્તિક ખેતી અંગેનું નિદર્શન તથા ખેડૂત લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ વેળાએ અંકલેશ્વર ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીઆ વિગેરે ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમ દરમિયાન ખેતીવાડી ખાતું, આત્મા પ્રોજેક્ટ, બાગાયત, પશુપાલન અને મત્સ્યપાલન યોજનાના લાભાર્થી ખેડૂતોને વિવિધ યોજનાના મંજૂરીપત્રો – હુકમ પત્રોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું.
કાર્યક્રમનું દિપ પ્રજવલન કરી અધ્યક્ષસ્થાનેથી સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર તથા રાજ્ય સરકાર ખેડૂતોના હિત માટે સતત ચિંતિત છે. તેમણે રાસાયણિક ખેતીના સ્થાને હવે પ્રાકૃતિક ખેતીનો વિકલ્પ ઉપલબ્ધ છે. પ્રાકૃત્તિક ખેતીથી કૃષિ ખર્ચ ઘટશે તેમ જણાવી ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઇ પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કર્યું હતું.
વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ ખેડૂતોને સરકાર દ્વારા મળતી વિવિધ યોજનાઓના મળતા લાભો જણાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃત્તિક ખેતી, ગાય આધારિત ખેતી વિષયક પોતાના વિચારો રજૂ કર્યા હતા.
જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટે સ્વાગત પ્રવચનમાં ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. આ વેળાએ પ્રાકૃત્તિક ખેતી તેમજ વિવિધ કૃષિલક્ષી સ્ટોલ ઉભા કરાયા હતા જેનું મહાનુભાવો તથા ખેડૂતોએ મુલાકાત લીધી હતી.
કાર્યક્રમ દરમિયાન વિવિધ ખેતીલક્ષી યોજનાઓને મહાનુભાવોના હસ્તે મંજૂરીપત્રો – હુકમોના વિતરણ સાથે વિવિધ સહાય પણ ચૂકવવામાં આવી હતી જેમાં માલવાહક વાહન, ટ્રેકટર, સ્માર્ટ ફોન ખરીદી પર સહાય, ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર, પશુપાલકો માટે પ્રોત્સાહક સહાય, કાંટાળી યોજના અંતર્ગત સહાય, ગાય નિભાવ ખર્ચ માટે સહાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આગેવાન પદાધિકારીઓ, ખેતીવાડી ખાતાના અધિકારીઓ, કર્મચારી, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.