જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી- ભરૂચના સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) દ્વારા ભરૂચ જિલ્લાના સ્વચ્છતાના સ્તરને શ્રેષ્ઠ બનાવવા માટે વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે. જે અન્વયે સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ)ની ટીમ ભરૂચે આજ રોજ ગ્રામ પંચાયત- ઝાડેશ્વર ખાતેથી સ્વચ્છતાલક્ષી પ્રચાર-પ્રસાર માટે સરપંચ અશોકભાઇ પટેલ હસ્તે પ્રચાર-પ્રસારના માધ્યમ તરીકે ઓટો રીક્ષાને લીલીઝંડી આપી હતી. આ વેળાએ ગ્રામ પંચાયતના સભ્યશ્રી કૌશિકભાઇ પટેલ તથા અન્ય સભ્યો, ડીઆરડીએ કચેરી જયેશભાઇ પટેલ, તલાટી કમ મંત્રી, આશાવર્કર બહેનો, ગ્રામજનો વિગેરે ઉપસ્થિત રહયા હતા.
જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.વી.લતાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ ગામોને આવરી લઈ આ ઓટો રીક્ષા ગામે-ગામે ઓડિયો પ્રસારણ તેમજ બેનરના માધ્યમથી ગ્રામજનોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવશે. આ પહેલનો હેતુ ખુલ્લામાં શૌચમુક્ત ગામો તૈયાર કરવા, ODF પ્લસ ગામો તૈયાર કરવા, વ્યક્તિગત અને સામુહિક શૌચાલયના નિર્માણ તેમજ ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપન અંગે લોકોને જાગૃત કરવાનો છે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) સહિત મનરેગા અને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ)ના મહત્વના કામો તેમજ વિવિધ યોજનાકીય લાભોની માહિતી પણ આ પહેલ થકી લોકોને આપી સરકારી યોજનાઓના લાભ લેવા જાગૃત કરવામાં આવી રહ્યા છે.