શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ, મણિનગરના મહંત તેમજ સાધુતાની મૂર્તિ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી માગશર સુદ પૂનમ ને શનિવારે બપોરે ૨.૦૦ કલાકે ૧૦૧ વર્ષની ઉંમરે સ્વતંત્રપણે મનુષ્યલીલા સંકેલી છે.
તેમના અંતિમ દર્શન તથા પાલખીયાત્રા સહિતની વિધિ 19 ડિસેમ્બર ને રવિવારના રોજ સવારે 7 વાગ્યાથી કુમકુમ મંદિર, મણિનગર ખાતે જ્યારે અંતિમ સંસ્કાર વિધિ બપોરે 2 વાગ્યે કુમકુમ સેવા કેન્દ્ર, હીરાપુર ખાતે યોજાશે.
દિવંગત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ શારત્રો અને અનેક સાધનાઓમાં ભૂલા પડેલા માનવીઓને સાચો માર્ગ ચીંધી આત્યંતિક મોક્ષની વાટ બતાવી હતી. તદુપરાંત તેમણે લોકોને શ્રી સ્વામિનારાયણ ભગવાનના શાશ્વત સુખમાં જોડવાના ભગીરથ કાર્યને જ જેમને પોતાનો જીવનમંત્ર બનાવ્યો હતો.
જેના કારણે આજે અનેક પરિવારોમાં નિરાશાઓ દૂર થઈ છે અને સ્નેહ-સંપના દિપક પ્રગટ્યા છે. અનેક યુવાનોમાં સેવાના ધબકાર ઉઠ્યા છે. દેશ અને વિદેશમાં તેમના દ્વારા સ્થપાયેલા મંદિરોના કારણે ઘેરેઘેર સત્સંગ -સદાચારના અજવાળાં પથરાયાં છે.