ભરૂચ આપ યુથ વિંગના પ્રમુખ અભિલેશ ગોહિલ અને આપ યુથ વિંગના કાર્યકર્તા હોદ્દેદારો દ્વારા આજે જિલ્લા કલેકટરને હેડ કલાર્કની પરીક્ષામાં થયેલ ગેરરીતીના કસુરવારોને સજા તેમજ આગામી પરીક્ષાઓમાં સુચારૂ આયોજન અને પારદર્શીતા જાળવવાની અપીલ સાથે એક આવેદન પાઠવાયું હતું.
ભરૂચ આપ યુથ વિંગ દ્વારા અપાયેલ આવેદનમાં ઉલ્લેખાયું છે કે, ગુજરાત સરકારમાં ખાલી પડલી વિવિધ જગ્યાઓ પર સરકાર દ્વારા સમયાંતરે પરીક્ષાઓ લઈને વિવિધ ભરતીઓ થાય છે. આ પરીક્ષાઓ સાથે ગુજરાતના ૧૦ થી ૧૫ લાખ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો જોડાયેલા છે. ત્યારે આ પરીક્ષામાં પારદર્શકતા જળવાય એ ખુબ જ જરૂરી છે.
તાજેતરમાં તા:- ૧ર/૧૧/ર૧ ના રોજ લેવાયેલ હેડક્લાર્કની પરીક્ષામાં પણ અગાઉની પરીક્ષાની માફક પેપર લીક થયું હતું. હિંમતનગરના એક ફાર્મ હાઉસમાં ૧૬ જેટલા વિદ્યાર્થીઓ અને ત્યાંથી સોશ્યિલ મીડિયા દ્વારા ભાવનગર,વડોદરા,કચ્છ વગેરે સ્થળોએ પરીક્ષાના બે કલાક અગાઉ પેપર પહોંચ્યું હતું. પેપર લીક થવાની આ પરંપરા ગુજરાતના વિદ્યાર્થીઓ સાથ હળાહળ અન્યાય છે. હજારો રૂપિયા કલાસીસમાં બગાડી અને પોતાનો અમૂલ્ય સમય બગાડીને પોતાનું જીવન સજાવવા માટે મથી રહેલા ગાંધીજીના ગજરાતમાં વિદ્યાર્થીઓ દર પરીક્ષા વખતે એક માનસિક આઘાત અનુભવે છે. આ એક પ્રકાર ની હીંસા જ છે.
હિંમતનગરમાં બનેલી આ ઘટનાની આધારો સાથે રજૂઆત કરવામાં આવી છે. ત્યારે દોષીતો સામે કાર્યવાહી થાય અને અન્ય આવા લોકોને બોધપાઠ મળે તેવી રીતે સરકાર દ્વારા આવા લાકા સામે કાર્યવાહી થાય, દોષીતોને પરીક્ષામાંથી બાકાત કરવામાં આવે અને આ કૌભાંડ સાથે સંકળાયેલા દરેક લોકોની સામે યોગ્ય કાર્યવાહી કરાય તેમજ ભવિષ્યમાં લેવાનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની ગોપીનીયતા જળવાય તેવા પ્રકારે આયોજન થાય તેવું ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે.
તાજેતરની પેપર લિકની ઘટનાને જો ગંભીરતાથી નહીં લવાય અને વિધાર્થીઓને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયમાં વિધાર્થીઓએ તેયારી છોડી મેદાનમાં આવવાની ફરજ પડશે. જેની નોંધ લઇ આને સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓની વેદના સમજી હાલની ઘટના પર અને ભવિષ્યની પરીક્ષોઓને લઈને યોગ્ય કરવા જણાવાયું હતું.સાથે જો તેમ નહીં કરાય તો આપ યુથ વિંગ વિદ્યાર્થીઓને પડખે રહી જરૂર પડ્યે ઉગ્ર આંદોલન પણ કરશેની ચીમકી પણ ઉચ્ચારાઇ હતી.