સુરતના ડિંડોલીના સંતોષ પાર્ક સોસાયટી બહાર બુધવારની રાત્રે એક કાર ધડાકા સાથે શોપિંગ કોમ્પલેક્સની આગળની બાજુ અથડાતા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. એટલું જ નહીં પણ અકસ્માતના ધડાકાનો અવાજ સાંભળી સ્થાનિકો દોડી આવતા ચાલકને મહા મુસીબતે બહાર કાઢ્યા બાદ પણ બચાવી શક્યા ન હતા. મૃતક યુવરાજ રેડીમેઇડ ગારમેન્ટનો વેપારી હોવાનું અને બે મહિના પહેલા જ ભરૂચથી સુરત વેપાર માટે શિફ્ટ થયો હોવાનું પરિવારે જણાવ્યું હતું.સમગ્ર અકસ્માત CCTVમાં કેદ થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકના ભાઈ ભાવેશ રાણાએ જણાવ્યું હતું કે, ભાઈ યુવરાજ દેવેન્દ્રસિંહ રાણા બે મહિના પહેલા જ પત્ની અને બે દીકરીઓ સાથે ભરૂચથી સુરત ડીંડોલીમાં સ્થાયી થયો હતો. ત્યારબાદ ઘર નજીક રેડીમેન્ટ ગારમેન્ટની દુકાન શરૂ કરી હતી. અકસ્માતગ્રસ્ત કાર એની પોતાની હતી. અકસ્માત બાબતે વધારે કશું પણ જાણતા નથી. ઘટનાના લગભગ 4 કલાક બાદ પરિવારને જાણ કરાઈ હતી.જેથી પરિવારમાં શોકનો માહોલ પેદા થયો હતો.
નજરે જોનાર સ્થાનિક યુવકે કહ્યું હતું કે, ખબર નહિ શુ થયું હશે કે, કાર ધડાકા સાથે શોપિંગ કોમ્પલેક્સ આગળ ઘુસી ગઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળી બધા જ દોડી આવ્યા હતા. કારની બોનેટ આખું ડ્રાઇવર સાઈડમાં ઘુસી ગયુ હતું. જેમ તેમ કાર ચાલકને બહાર કાઢ્યો હતો. જોકે કોઈ સારવાર મળે તે પહેલાં જ એનું મોત નીપજ્યું હતું.