વાલિયા-માંગરોળ હાઈવે પરના કરસાડ પાટિયા પાસેના પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવતી વખતે કારમાં આગ લાગી હતી. અચાનક આગ લાગવાથી દોડધામ મચી હતી.આ આગ શોર્ટ સર્કિટના પગલે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું છે.
વાલિયા તાલુકાનાં કરસાડ ગામમાં રહેતો અક્ષય ઇન્દ્રસિંહ રણા પોતાના પરિવારના ચાર સભ્યો સાથે સુરત ખાતે બાબરીના પ્રસંગમાં જવા મોસાળુ લઈને નીકળ્યો હતો.દરમિયાન કરસાડ પાટિયા પાસેના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવતો હતો. ત્યારે અચાનક કારમાં ધુમાડો નીકળતા પરિવારના પાંચેવ સભ્યો સમય સૂચકતા વાપરી કારમાંથી નીચે ઉતારી ગયા હતા.
ત્યારબાદ કારને રોડની બાજુમાં ખસેડતા જ કાર ભળકે બળવા લાગી હતી. જેને પગલે મુખ્ય માર્ગ પર અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોતજોતામાં સમગ્ર કાર બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં તમામે રાહતનો શ્વાસ લીધો હતો.