• અહીં સૌ કોઈને પોતપોતાના મતલબ છે, નામના મેળવવાની સૌને નશીલિ તલબ છે.
તમે કોઈ જાહેર પ્રસંગ કે સેમિનારમાં જોયું જ હશે કે તે પ્રસંગની બેઠક વ્યવસ્થા જુદી જુદી કેટેગરીમાં વહેચાઈ જાય છે. ડાયસ અને પ્રથમ પંક્તિની બેઠક વ્યવસ્થા ખાસ હોય છે. જે મોડી ભરાય છે અને જલ્દી ખાલી થઈ જાય છે. કેમકે તે બેઠકો VIP / VVIP કે ચીફ ગેસ્ટ માટે ખાલી રાખવામા આવતી હોય છે. જે કાર્યક્ર્મ શરૂ થતાંની થોડી ક્ષણ પહેલાં ઉભરાય છે અને કાર્યક્ર્મના પ્રથમ અર્ધા કલાકમાં ખાલી પણ થઈ જાય પછી એ ખુરશીઓ એના બેસનારાની રાહ જોતી રહે છે.
એક દિવસ પહેલાં જ એક સાહિત્યક કાર્યક્ર્મમાં જવાનું બન્યું. શહેરના જાણીતા કવિઓ કાવ્ય પાઠ કરવા અધીરા હતા. કાર્યક્ર્મ શરૂ થયો. એક પછી એક કવિ-કવયિત્રીઓ પોતપોતાની કાવ્ય રચનાનું પઠન કરતાં ગયા. પણ આશ્ચર્યની વાત એ હતી કે તેઓ ફક્ત પોતાનું જ સંભળાવવા આવ્યા હતા નહીં કે બીજાનું સાંભળવા!!!. જેવો તેમનો ક્રમ આવ્યો પઠન કર્યું અને પછી ધીમે રહીને કાર્યક્ર્મમાઠી સરકી ગયા. મંચ પર થોડીવાર પહેલાં કાવ્ય પાઠકો બેસેલા તે ખુરશીઓ સાવ ખાલી લાગતી હતી. આગલી હરોળ પણ ખાલી થઈ ગઈ હતી. ઔપચારિક દાદ આપવા પૂરતા કાવ્ય પાઠકો કે જેમનો ક્રમ નહોતો આવ્યો તે જ મંચ પર બિરાજમાન હતા. જો એમનો નંબર પહેલો આવ્યો હોત તો તેઓ પણ ધીમેથી સરકી જ ગયા હોત.
ઉપરોક્ત પ્રસંગ એક ઉદાહરણ છે કે અહી સૌ કોઈ મતલબ સાથે મતલબ રાખે છે. શિવની જેમ હળાહળ ગટ ગટવવાની ક્યાં કોઈ હિમ્મત રાખે છે.
હવે તો લગ્ન પ્રસંગ પણ શરૂ થઈ ગયા છે. હવે તો કંકોત્રી પણ વોટ્સએપ થતી જાયે છે એટ્લે પ્રત્યક્ષે નિમંત્રણનો રિવાજ પણ ધીમે ધીમે લુપ્ત થઈ જ રહ્યો છે. નિરર્થક બીઝી આપણે સૌ ધીમે ધીમે મળવાનું ને ભળવાનું ભૂલી રહ્યા છે. બંધુ જ જાણે યંત્રવત થઈ ગયું છે. કેટલાક તો એવું વિચારે કે આપણાં ફલાણા સંબંધી દીકરાના કે દીકરીના લગ્ન લીધા છે પણ જો લગ્નમાં નિમંત્રણ ના આવે તો સારું આમ પણ ના જાવ તો પણ ચાંલ્લો તો કરવાનો જ ને !. અને ભૂલે ચૂકે નિમંત્રણ મળી ગયું તો ભોજનની તારીખ અને સમય પર પહેલી નજર જતી હોય છે. પંગત જમણવાર હવે બુફે તરીકે ઓળખાય છે. ફક્ત શહેરો , રોડ કે સ્ટેશનના જ નામ નથી બદલાતા અહી તો આખે આખા રિવાજો બદલી નાખવામાં આવે એવું બનતું હોય છે.
મતલબ બધાને પોતાના મતલબ સાથે મતલબ છે. આ આખી દુનિયા મતલબી ક્લબ છે ખરાઅર્થમાં મળતી દાદ અને ખરા અર્થમાં ઉજવાતા પ્રસંગો તો નસીબની વાત છે. બધાને સંભળાવવું છે સાંભળવું કોઈને નથી.
ક્યારેક તો એવું પણ બને છે કે કાર્યક્ર્મ રજૂ કરનારાઑની સંખ્યા શ્રોતાઑ કરતાં વધારે હોય છે!!!. આ તો જસ્ટ વાત.
અને છેલ્લે :
મારે તમને મારી વાત જણાવવી એ મારો મતલબ હતો જે પૂરો થયો. મતલબ વગરની તલબ રાખનારાને દુનિયા મૂર્ખમાં ખપાવે છે બધાને પ્રાપ્ત કરવું છે આપવું નથી. ઓછું કરવું છે પણ ઉમેરવું નથી . કોઈ દિવસ મળે તો ઓળખવાનો પણ ઇનકાર કરે એ કહેવાતી વ્યક્તિ કોઈ પરિચિત પાસેથી તમારો ફોન નંબર લઈ ફોન કરે ત્યારે એ તમને જે ખબર અંતર પૂછે છે ને એ માત્ર ઔપચારિક્તા જ હોય છે. એ ખબર અંતરની વાત પૂરી થાય પછી જે એના મતલબની વાત તમારી સમક્ષ રજૂ કરે એને એની સાથે મતલબ હોય છે નહીં કે તમારી ખબરઅંતર પુછવામાં! આ તો જસ્ટ વાત.
(બંધ બેસતી પાઘડી પહેરવી નહીં !!! ભાડું બહુ મોંઘું પડે છે.)
બ્લોગ બાય: નરેન કે સોનાર ‘પંખી’