The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 230

વડાપ્રધાન મોદીએ ત્રણેય નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી

વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં જણાવ્યુ હતું કે મેં ખેડૂતોના પડકારોને જીણવટતાપૂર્વક જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોદીએ વધુમાં કહ્યું હતું કે અમે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી છે. મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી છે. આ સાથે PMએ ખેડૂતોની માફી પણ માંગી છે.

છેલ્લા એક વર્ષથી ખેડૂતોના આંદોલનનું કારણ બનેલા ત્રણેય નવા કૃષિ કાયદા કેન્દ્ર સરકારે પાછા ખેંચી લીધા છે. શુક્રવારે દેશને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ આ મોટી જાહેરાત કરી હતી. તેમના 18 મિનિટના સંબોધનમાં તેમણે કહ્યું કે સરકાર સારા ઈરાદા સાથે ત્રણેય કૃષિ કાયદા લાવી હતી, પરંતુ આ વાત અમે ખેડૂતોને સમજાવી શક્યા નહીં.
પીએમ મોદીએ કહ્યું, ખેતીને સુધારવા માટે ત્રણ કાયદા લાવવામાં આવ્યા. જેથી નાના ખેડૂતોને વધુ પાવર મળે. વર્ષોથી આ માંગ દેશના ખેડૂતો અને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી.

જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશના ખેડૂતો અને સંગઠનોએ તેનું સ્વાગત કર્યું, સમર્થન કર્યું. હું બધાનો ખૂબ જ આભારી છું. મિત્રો, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે. આ માટે દેશના કૃષિ જગતના હિતમાં, ગામડાના, ગરીબોના હિતમાં, સંપૂર્ણ સહયોગ સાથે, ઉમદા આશયથી આ કાયદો લાવવામાં આવ્યો હતો. પરંતુ અમે ખેડૂતોના હિત માટેની વાત કેટલાક ખેડૂતોને સંપૂર્ણ રીતે સમજાવી શક્યા નથી. તેમ છતાં ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો હતો.

અમે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો.આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો. પીએમ મોદીએ કહ્યું, અમે કૃષિ કાયદાને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. તેમજ પીએમ મોદીએ ખેડૂતોને અપીલ કરી હતી કે, તમે તમારા ઘરે, ખેતરમાં પાછા ફરો પરિવાર વચ્ચે પરત ફરો અને એક નવી શરૂઆત કરો.

અંકલેશ્વર: ઉછાલીમાં નર્મદાનંદજીના 94મા જન્મદિનની કરાઇ ઉજવણી

અંકલેશ્વરના ઉછાલી ગામ સ્થીત શ્રી દત્ત આશ્રમમાં પ.પૂ.નર્મદાનંદજી નો 94 માં જન્મદિન ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બે દિવસીય ઉત્સવના પ્રથમ દિવસે મારૂતિ યાગ નો યોજવામાં આવ્યો હતો.

અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ ખાતે આવેલ શ્રી દત્ત આશ્રમ ખાતે પ.પૂ.નર્મદાનંદજી મહારાજના 94 માં જન્મદિન પ્રસંગે તારીખ 18 મી નવેમ્બર ગુરુવારના રોજ મારુતિ યોગ થી બે દિવસીય ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આશ્રમ ખાતે દંપતીઓ બેસી પૂજા અર્ચના સાથે મારુતિ યાગ નો પૂજા કરી હતી. આજે 19 મી નવેમ્બરના રોજ સવારે 5થી 7 કલાકે પાદુકા પૂજન તેમજ 94 હનુમાન ચાલીસાનું પઠન સવારે 7 થી 12 કલાક દરમ્યાન કરવામાં આવશે. આ ઉપરાંત મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું.

ભરૂચમાં ટેમ્પો ચાલક પાસેથી લાંચ લેતા ટ્રાફિક કોન્સ્ટેબલ ઝડપાયો

ભરૂચમાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો. નેશનલ હાઇવે પર આવેલી નર્મદા ચોકડી વિસ્તારમાં એન્ટ્રી માટે ટેમ્પો ચાલક પાસે કોન્સ્ટેબલે 50 રૂપિયાની લાંચ લેતા ભરૂચ એ.સી.બીની ટીમે ઝડપી પાડ્યો હતો.

ભરૂચ નેશનલ હાઇવે રોડ ઉપર આવેલા નર્મદા ટોલ નાકા પહેલા અને ટોલ નાકા પછીના પોલીસ પોઈન્ટ પર પોલીસ જવાનો અને ટી.આર.બી.ના જવાનો વાહન ચાલકો પાસેથી એન્ટ્રી માટે લાંચ માગી રહ્યા હોવાની જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી. જે ફરિયાદને પગલે એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી.વસાવાએ ભરુચ નેશનલ હાઇવે પર આવેલી નર્મદા ચોકડી વિસ્તારમાં છટકું ગોઠવ્યું હતું.

આ દરમિયાન ભરૂચ ખાતે હાઇવે રોડ ઉપર આવેલા ટોલ નાકા પહેલાં ટેમ્પો ચાલક પાસે એન્ટ્રી કરાવવા માટે કોન્સ્ટેબલે રૂપિયા 50ની લાંચની માંગણી કરી હતી. તે દરમિયાન ટેમ્પો ચાલક પાસે લાંચ લેતા ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ નિતીન વસાવાને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર: સજોદ સાર્વજનીક શાળાના આચાર્યે ફાંસો ખાઇ કર્યો આપધાત

અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની સાર્વજનીક શાળાના આચાર્યએ 15 વર્ષીય વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા હોવાથી ઘટના સામે આવી છે. આચાર્યએ વિદ્યાર્થિનીને નોટબુક જમા કરવાના બહાને પોતાની કારમાં બેસાડી શારીરિક અડપલાં કરતા પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોધવામાં આવ્યો છે. ત્યારે આચાર્યના આ કૃત્યથી શિક્ષણ જગતમાં રોષ જોવા મળી રહ્યો હતો અને તેવામાં આચાર્યે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

આ ઘટનામાં રોડની બાજુમાં ગાડી ઉભી રાખી હતી અને વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. તેમજ જાતીય સતામણી કરી તેની પાસે બિભત્સ માંગણી કરી હતી. જોકે, વિદ્યાર્થિની તાબે નહિ થતા તેને સ્કૂલમાંથી કાઢી મુકવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. ત્યારે બનાવ અંગે તાલુકા પોલીસ મથક ખાતે સગીરાએ ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આચાર્યને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી.

આ સમગ્ર ઘટનામાં આજે સાંજે ૬.૩૦ કલાક પહેલા કોઇપણ સમયે ભરૂચના પગુથણ ગામની સીમમાં નહેર પાસે આવેલ એક આંબાના ખેતરમાં ઓઢણી વડે સજોદ સાર્વજનીક શાળાના આચાર્ય વિરેન ઘડીયાળીએ ફાંસો આત્મહત્યા કરતા ચકચાર મચી હતી.

આ ઘટનાની જાણ ભરૂચ સી ડીવિઝન પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી મૃતક આચાર્યના મૃતદેહને નીચે ઉતારી પી.એમ. અર્થે ભરૂચ સિવિલ ખાતે ખસેડી આગળની તપાસ હાથધરી છે.

આહવા પ્રીમીયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની મુલાકાત લઈ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ

‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ ના શુભારંભ પ્રસંગે ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે આહવાના આંગણે આયોજિત ખેલ મહોત્સવ ‘આહવા પ્રીમીયર લીગ’ ક્રિકેટ ટુર્નામેન્ટની મુલાકાત લઈ રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા.
આહવાના સરપંચ હરિરામ સાવંત દ્વારા પ્રાયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમા ભાગ લઈ રહેલી આઠ જેટલી ક્રિકેટ ટિમના ખેલાડીઓ સાથે ક્રિકેટ રમીને નાયબ મુખ્ય દંડકે પ્રતિસ્પર્ધી ખેલાડીઓને પરસ્પર ખેલદિલી, કોમી એખલાસ, અને ભાઇચારાની ભાવના સાથે તેમનામા રહેલા ખેલ કૌશલ્યને બહાર લાવવાની હિમાયત કરી હતી.
ઉલ્લેખનિય છે કે, ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ચેરમેન એવા નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલે ભરૂચ જિલ્લાના ઇખર ગામના ભારતીય ક્રિકેટ ટિમના આંતરરાષ્ટ્રીય ખેલાડી એવા મુનાફ પટેલની કારકિર્દી ઘડતરમા પણ અહમ ભૂમિકા નિભાવી છે.
આહવાના મિશનપાડા સ્થિત ગીતાંજલી વિધ્યાલયના પટાંગણમા આયોજિત ‘આહવા પ્રીમીયર લીગ’ ક્રિકેટ ટુર્નામેન્ટની નાયબ મુખ્ય દંડકની આ મુલાકાત વેળા તેમની સાથે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવીત, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, આહવાના સરપંચ હરિરામ સાવંત, સહિત તાલુકા/જિલ્લા પંચાયતના સદસ્યો, હોદ્દેદારો, તથા રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી સહિત સાંસદ અને SPએ કાંકરિયા ગામની મુલાકાત લીધી

•ફરિયાદી અને સરપંચ સાથે વાત કરી રક્ષણ અને કાયદાકીય તમામ સુરક્ષા સાથે સવલતો આપવાની ખાતરી

આમોદ તાલુકાના કાંકરિયા ગામે 15 વર્ષમાં 130 આદિવાસીઓના ધર્મ પરિવર્તનનો સંવેદનશીલ મુદ્દો હવે સરકાર માટે પણ ગંભીર બની ગયો છે. લોભ, લાલચ, પ્રલોભનો અને માઈન્ડ વોશ કરી ગેરકાયદે વિદેશથી ફંડ મેળવી કરાવાયેલા મુસ્લિમ ધર્મ અંગીકારમાં ગુરૂવારે રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, સાંસદ મનસુખ વસાવા અને DSP રાજેન્દ્રસિંહ ચુડાસમા કાંકરિયા ગામે પોહચ્યા હતા. તેમની સાથે ભરૂચ જિલ્લા BJP પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા પણ જોડાયા હતા.

મંત્રી અને સાંસદે ફરિયાદી પ્રવીણ વસાવા, સરપંચ સહિત સાથે વાત કરી સમગ્ર મામલે જાણકારી મેળવવા સાથે ધર્માંતરણ મુદ્દે ફરિયાદી અને અન્યને રક્ષણ આપવાની ખાતરી આપી હતી. સાથે જ કાયદાકીય રીતે તમામ કામગીરી પુરી પાડવાનું જણાવી ગ્રામજનોની મુંઝવણો, સમસ્યા અને પ્રશ્નોનો તાગ મેળવ્યો હતો. ગ્રામજનોની તમામ જરૂરિયાતો પૂરી કરવા સરકાર કટિબદ્ધ હોવાનું પણ મંત્રી પૂર્ણેશ મોદી અને સાંસદે મનસુખભાઇએ ગામમાં જણાવી કોઈએ ભયભીત થવાની જરૂર નહીં હોવાનું કહ્યું હતું.

ધર્માંતરણ મુદ્દે ખાસ કરી સાંસદે આદિવાસીઓને કોઇના થી નહીં ડરવા તેમજ ખોટા પ્રલોભનમાં ભોળવાઈ પોતાનો ધર્મ નહિ બદલવા ખાસ સમજાવ્યા હતા. તેઓની કોઈ પણ સમસ્યા અને જરૂરિયાતો રાજ્ય અને કેન્દ્ર સરકાર પૂર્ણ કરવા કાર્યરત હોવાનું તેમણે ઉમેરી સરકારી અને કાયદાકીય તમામ સુરક્ષા અને પાયાની પ્રાથમિક સવલતો પુરી પાડવા કહ્યું હતું.

જિલ્લા પોલીસવડાએ ફરિયાદી અને સરપંચ સહિત અન્ય ગ્રામજનો સાથે જરૂરી ચર્ચા કરી તેમને તમામ કાયદાકીય સુરક્ષા ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી ધર્માંતરણ અંગેની વિગતો મેળવી હતી.

જંબુસરના ગજેરા ખાતેથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવતાં મંત્રી પૂર્ણેશ મોદી

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજયમાં તા.૧૮ થી ૨૦ નવેમ્બર દરમ્યાન ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ની ભવ્ય ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના ગજેરા ગામે આવેલી નૂતન વિધાલય ખાતેથી માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડૃયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીએ આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ વેળાએ મંત્રીએ આત્મનિર્ભર ગ્રામ યાત્રાના રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરાવતા જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીએ આત્મનિર્ભર ગ્રામ યાત્રાની વિસ્તૃત વિગતો આપતાં જણાવ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, આપણો દેશ વિશ્વગુરૂ બને તે દિશામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કામ થઇ રહ્યું છે ત્યારે આત્મનિર્ભર ભારત અભિયાનથી દેશના લોકોને સુખી, સમૃધ્ધ બનાવી ભારતને વિશ્વગુરૂ બનાવીએ.
આઝાદીના ઈતિહાસની ગાથા વર્ણવતાં મંત્રીએ કહ્યું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે, ભારત ગામડાઓમાં વસે છે. ભારતનો આત્મા ગામડું છે ત્યારે ગામડાઓમાં પણ શહેરોના જેવી શિક્ષણ, રસ્તા, પાણી, આરોગ્ય સહિતની સુવિધાઓ વિકસાવી સાચા અર્થમાં ગામડાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સરકારે અભિયાન આદર્યુ છે. તેમણે ઉમેર્યુ કે, તા.૧૮ થી ૨૦ નવેમ્બર દરમ્યાન જિલ્લા પંચાયતની તમામ ૩૪ સીટો પર આત્મનિર્ભર ગ્રામ યાત્રા પરિભ્રમણ કરી લોકોને સરકારી યોજનાઓથી માહિતગાર કરાશે.
આત્મનિર્ભર ગ્રામ થકી આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીએ તેમ જણાવી મંત્રીએ કહ્યું કે, આત્મ નિર્ભર ગ્રામ યાત્રા થકી છેવાડાના લોકો સુધી સરકારી યોજનાઓ પહોંચે તેનો લાભ મેળવે અને જાગૃત થાય તેવા આશયથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર પ્રજાની નાનામાં નાની જરૂરિયાતોને ધ્યાને લઈ વિવિધ યોજનાઓ ઘડી રહી છે. સાથે આ યોજનાઓ ખરેખર લાભાર્થી સુધી પહોંચે અને તેને લાભ મળે ત્યાં સુધી પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
સરકાર સંવેદનશીલ છે, સરકાર ગરીબોની છે તેમ જણાવી ભરૂચ જિલ્લામાં થયેલ કૃષિ નુકશાનનો સર્વે કરાવી સહાય આપવા તરફ આગળ વધી રહ્યા હોવાનું પણ મંત્રીએ ઉમેર્યું હતું. દરેક વ્યક્તિને સવલત, સુવિધાઓ અને સેવા મળી રહે તે દિશામાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું જણાવી સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. તેમણે આજે મેળવેલ સહાયનો સાચી દિશામાં ઉપયોગ કરી આત્મનિર્ભર બનવા લાભાર્થીઓને અનુરોધ કર્યો હતો.
ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ગ્રામ યાત્રા ધ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ કાર્યક્રમો થકી પ્રજાલક્ષી કામગીરી જનજન સુધી પહોંચે તે માટે યાત્રા સફળ બને તેવી શુભેચ્છા પાઠવી હતી. તેમણે આપણું ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય અને દેશ કઈ રીતે આત્મનિર્ભર બને તે દિશામાં કાર્ય કરવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલે આત્મનિર્ભર ગ્રામ યાત્રાને શુભેચ્છા પાઠવી હતી. પ્રારંભે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકારી આત્મનિર્ભર ગ્રામ યાત્રા અંતર્ગત જિલ્લાકક્ષાએ કરવામાં આવેલ ઈનોવેટીવ કામગીરી જેવી કે, સારા સ્વાસ્થ્ય માટે પંચોતેર સોનેરી સુત્રો, પંચોતેર સ્વસહાય જુથો(સખી મંડળની રચના) અને જિલ્લાના પંચોતેર ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવા અંગેની માહિતી આપી હતી.
આ પ્રસંગે મંત્રી તથા મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રતિકાત્મક ચાવી આપી લોકાર્પણ કરાયું હતું. જ્યારે વિવિધ વિભાગો દ્વારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ(ઈ-તકતીના માધ્યમથી) કરાયું હતું તેમજ વિવિધ લાભાર્થીઓને સહાયના ચેકોનું વિતરણ કરાયું હતું. જેમાં ભરૂચ જિલ્લાના ગ્રામ વિકાસ, પંચાયત, સહકાર, વન, પાણી પુરવઠા, મહિલા અને વિકાસ વિભાગ દ્વારા ૨૪૯ કામોનું રૂ.૮૫૦.૭૩ લાખનું લોકાર્પણ, ૭૧૦ કામોનું રૂ.૧૮૪૦.૮૭ લાખનું ખાતમૂહુર્ત તથા ૪૫૪ લાભાર્થીઓને રૂ.૧૭૭.૦૪ લાખની સહાય વિતરણ કરાયું હતું. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસોનું લોકાર્પણ, ગામ તળાવના લીઝના ચેકનું વિતરણ, ગ્રામ સંગઠન અને સખીમંડળના ચેકનું વિતરણ, સિલાઈ મશીનનું વિતરણ, વહાલી દિકરી યોજનાના લાભાર્થેઓને મંજૂરી હુકમ, દિવ્યાંગ બાળકોને યુ.ડી.આઈ.ડી. સર્ટિફિકેટનું વિતરણ કરાયું હતું. આ વેળાએ વિદ્યાર્થીઓને વિતરણ કરવા માટે જુદા જુદા દાતાઓ તરફથી મેળવેલ પુસ્તકોનો સેટ મંત્રીશ્રીના હસ્તે કલેક્ટરને એનાયત કરાયો હતો. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા અંગે આત્મા પ્રોજેક્ટ દ્વારા શપથવિધિ થઈ હતી.
આ પ્રસંગે જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતિ શાહમીના હુસેન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.વી.લતા, જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટ, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, તાલુકા પંહાયતના પ્રમુખ અંજુબેન સિંધા, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીયા સહિત આગેવાન પદાધિકારીઓ, અમલીકરણ અધિકારીઓ, ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ભરૂચ અને નર્મદા જિલ્લાના સહિત રાજ્યના ખેડૂતોને શ્રીરામ સુપર 111 &1-SR-14 ઘઉંના બિયારણથી મળી વધારે ઉપજ

ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતો સાથે ગુજરાતના ખેડૂતોને ડીસીએમ શ્રીરામ લિમિટેડના યુનિટ શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સના શ્રીરામ સુપર 111 અને 1-SR-14 ઘઉંના બિયારણથી તેમની ઉત્પાદકતામાં વધારો થયો છે. શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સે ખેડૂતોની પાકની ઉપજ વધારવા માટે આધુનિક અને સંશોધનલક્ષી ઉત્પાદનો વિકસિત કર્યા છે.

ખેડૂત કલ્પેશભાઈએ શ્રીરામ સુપર 111 ઘઉંના પાક પ્રદર્શનમાં ઉત્તમ પરિણામને જોઈને ગયા વર્ષે આ બિયારણનો ઉપયોગ કર્યો હતો અને પોતાના આ નિર્ણયથી તેમને સારું ફળ મળ્યું છે. તેમનું કહેવું છે કે, એમાં કંઠી લાંબો લગભગ 12થી 13 સેમીનો હોય છે, પાક એકસાથે બહાર આવે છે અને કોઈ પણ પ્રકારની બિમારીની સમસ્યા પેદા થતી નથી. પાકની ઊંચાઈ ઉપર્યુક્ત હોવાથી એ પડી જવાની ફરિયાદ નથી. શ્રીરામ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સનાં વૈજ્ઞાનિકોએ ઘઉંની આ જગપ્રસિદ્ધ જાતને વિકસાવી છે જેને લોકપ્રિયતા મળી રહી છે.

ભરૂચમાં કમોસમી વરસાદ, ઘઉં સહિત શિયાળુ પાકને પણ પહોંચશે નુકશાન

ભરૂચ શહેર અને જિલ્લામાં બુધવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગુરૂવારે બપોરે વાદળછાયા વાતાવરણ વચ્ચે કારતકમાં અચાનક ધોધમાર કમોસમી વરસાદ તૂટી પડતા ખેડૂતો અને લગ્નના આયોજકો ચિંતાતુર બની ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન નિષ્ણાંતો દ્વારા અગાઉથી કમોસમી વરસાદની આગાહી કરી હતી. ત્યારે છેલ્લા બે દિવસથી રાજ્યના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. ઠંડીની સાથે સાથે દિવેસ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

ભરૂચ જિલ્લામાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન ખાતાની વરસાદની આગાહી ગુરુવારે સાચી ઠરી હતી. બપોરે ભરૂચ શહેર સહિત અન્ય વિસ્તારોમાં જોરદાર કમોસમી વરસાદ તૂટી પડતા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. શિયાળાના પ્રારંભે જ કમોસમી વરસાદથી જોતજોતામાં ભરૂચના માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા હતા. જોકે 10 મિનિટ સુધી જ ઝાપટું પડી વરસાદ એ વિરામ લીધો હતો. માવઠાને લઈ ખેડૂતો અને લગ્નસરના આયોજકો તેમજ યજમાનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આ અગાઉ પણ ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. અગાઉ ભારે વરસાદ અને વાવઝોડાના કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું હતું. તેમજ હવા પ્રદૂષણ અને પાછોતરા વરસાદમાં ભરૂચ જિલ્લાના ખેડૂતોને ફટકો પડયો હતો. હવે કમોસમી વરસાદને લઈ ઘઉં સહિતનો શિયાળુ પાક બગડવાની શકયતાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

માવઠાથી વધી ખેડૂતોની ચિંતા.. ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ

રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો, બનાસકાંઠી, મહેસાણા, સાબરકાંઠા, બેચરાજી સહિત અનેક પંથકમાં કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન જવાની ભિતિ સેવાઈ રહી છે. કેટલીક જગ્યાએ કમોસમી વરસાદને પડતા, શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
ગઈ કાલે સુરતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો બપોર બાદ સુરતમાં વાદળછાયું વાતાવરણ બદલાઈ ગયુ હતું તથા કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પણ પડ્યો હતો. હવામાન વિભાગની દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે, ખેડૂતોનો શિયાળું પાક એડે ન જાય તેની ચિંતામાં જોવા મળી રહ્યા છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ વાતાવરણ બદલાયું છે. માવઠામારથી ખેડૂતોના પાકને વધુ નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. હાલ ગુજરાતમાં ત્રણ ઋતુ ભેગી થઈ હોય તેવું વાતાવરણ બન્યું છે. ગરમી, ઠંડી, અને હવે વરસાદના વરતારાથી લોકો પણ ચિંતામાં મુકાયા છે.
હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને પગલે ડિઝાસ્ટર વિભાગદ્વારા એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. લો પ્રેશરની અસર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 3 દિવસ સુધી હડવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા સૌરાષ્ટ્ર , દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કમોસમી વરાસદ પડી શકે છે. તે સિવાય અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સોમનાથ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, અમદાવાદ, તેમજ ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
નોંધનીય છે કે રાજ્યમાં આ વર્ષે ચોમાસું લંબાયું હતું સાથે જ અતિવૃષ્ટિ પણ થઈ હતી. જેના કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું હતું ત્યારે હવામાન વિભાગની આગાહી બાદ ગુજરાતમાં કેટલીક જગ્યાએ કમોસમી વરસાદની જોવા મળ્યો છે, તો કેટલીક જગ્યાએ હળવા છાંતા પડતા ખડૂતો પાકને લઈને ચિંતામાં મુકાઈ ગયા છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ તાળવે ચોટયા છે.

error: Content is protected !!