ભરૂચ આમોદના કાંકરીયા ગામે ધર્માતરણ પ્રકરણમાં ભરૂચ પોલીસે ૪ ને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. આ પ્રવૃતિમાં સંડોવાયેલા 9 પૈકી 4 આરોપીઓને પોલીસ ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ પણ હિન્દુમાંથી મુસ્લીમ બન્યા હતાં. ત્યારપછી તેઓ પણ આ પ્રવૃતિમાં જોડાયા હતાં.
આ કેસની તપાસ કરતાં SC/ST સેલના ડીવાયએસપી એમ.પી ભોજાણીએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યુ હતું કે, ગઈકાલે અબ્દુલ અજીજ પટેલ, યુસુફ જીવણ પટેલ, ઐયુબ બરકત પટેલ અને ઈબ્રાહીમ પુના પટેલને પકડી પાડ્યા છે. આ શખ્સોએ કાંકરિયાના 37 પરિવારના 130 જેટલા લોકોનું ધર્માતરણ કરાવ્યુ હતું. પકડાયેલા આરોપીઓ પણ હિન્દુમાંથી ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. આ ચારેયનું મૂળ નામ અનુક્રમે અજીત છગન વસાવા, મહેન્દ્ર જીવણ વસાવા, રમણ બરકત વસાવા, જીતુ પુના વસાવા હતું. ધર્મ બદલ્યા પછી તેઓ ખુદ આ પ્રવૃતિમાં જોડાય ગયા હતાં.
પોલીસે પકડાયેલા આરોપીઓનાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા તેઓની કડક અને ઝીણવટપૂર્વકની પુછપરછ હાથ ધરાશે. આ પ્રવૃતિમાં ફંડ કઈ રીતે આવતુ હતું, કાંકરીયા સિવાય જિલ્લાના અન્ય કયા ગામોમાં આ પ્રકારની પ્રવૃતિ ચાલતી હતી. અન્ય કેટલા લોકોની સંડોવણી હતી. તેમજ કયા પ્રકારે હિન્દુઓને લાલચ આપી માઈન્ડ વોશ કરાતુ હતું તે વિગતો પોલીસ ઉજાગર કરી શકશે.
ભરૂચના કાંકરીયા ધર્માતરણ રેકેટમાં સંડોવાયેલા 9 પૈકી પોલીસે 4 આરોપીઓને તો પકડી પાડ્યા છે. પરંતુ 5 આરોપીઓ હજુ પોલીસ પકડથી દુર છે. તેમજ આ પ્રકરણમાં હજુ પણ અન્ય નામ બહાર આવે તેવી સંભાવના છે. જેથી પોલીસે અલગ અલગ 3 ટીમ બનાવી આરોપીઓને પકડવા માટે કવાયત હાથધરી છે.