The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 201

દહેજ:એબીજી શિપયાર્ડના સિક્યુરીટીએ લાકડા કાપતા વૃદ્ધને બેરહેમીથી માર માર્યો

•૧૫ સિક્યુરીટી જવાનોએ વૃદ્ધને માર્યાંની પોલીસ ફરિયાદ

•પોલીસે વધુ પૂછતાછ હાથધરી

દહેજના જાગેશ્વર ગામે તળાવની પાળે લાકડા કાપતા એક વૃદ્ધને કંપનીના સિક્યુરીટી ઓએ કંપનીમાં લઈ જઈ બેરહેમી પૂર્વક મારમારતા ઘાયલ વૃદ્ધને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લવાયા છે.

દહેજના જાગેશ્વર ગામે લીમડા ફળિયામાં રહેતા ૬૫ વર્ષીય અમરસિંગ અભેસિંગ પટેલ આજે સાંજના સમયે તળાવની પાળ ઉપર લાકડા કાપી રહ્યા હતા.દરમિયાન બાજુમાં આવેલ એ.બી.જી.શિપયાર્ડની બંધ કંપની માંથી સિક્યુરીટી એ તેમને બુમો પાડી હતી.જોકે અમરસિંગભાઇ કાને સંપૂર્ણ બહેરા હોય તેમને લાકડા કાપવાનું ચાલુ રાખ્યું હતું.જેથી ઉશ્કેરાયેલા સિક્યુરીટી જવાનોએ તેમને કંપની ની અંદર લઇ જઇ પાઇપ અને લાકડી વડે મારમારતા અમરસિંગ ભાઈને ઘાયલ અવસ્થામાં ભરૂચ સીવીલ હોસ્પિટલમાં લવાતા દાખલ કરાયા હતા.

આ ઘટનામાં અમરસિંગભાઈના પરિવાર દ્વારા દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કંપની સિક્યુરીટી ને પોલીસ મથકે લઇ જઇ વધુ તપાસ હાથ ધરી છે.જોકે મોડી રાતે બંન્નેવ પક્ષે સમાધાન થયાનું જાણવા મળી રહ્યું છે.

કરૂણા અભિયાન અંતર્ગત ભરૂચ વનવિભાગ દ્વારા પ્રશિક્ષણ શિબિર યોજાઈ

ગુજરાત સરકારના કરુણા અભિયાન અંતર્ગત, આગામી ઉતરાયણના પર્વ દરમિયાન જે કોઈ સંસ્થા, ગ્રુપ કે સ્વયંસેવક, ઘાયલ પક્ષીની સારવાર માટે કેમ્પનું આયોજન કરી રહ્યાં હોય એમના માટે ભરૂચ વનવિભાગ દ્વારા બેઠક અને પ્રશિક્ષણ શિબિરનું રોટરી ક્લબ હોલ, ભરૂચ ખાતે આયોજન કર્યું હતું.

જેમાં નાયબ વન સંરક્ષક ભાવનાબેન દેસાઈની અધ્યક્ષતામાં અને વનવિભાગના અન્ય અધિકારીઓની હાજરીમાં રોટરીકલબ, બર્ડ રેસ્ક્યુઅર્સ ભરૂચ, મનમૈત્રી સેવા સંસ્થા, એન.પી.સી.ટી. વગેરે સંસ્થાઓએ હાજરી આપી હતી.

બર્ડ રેસ્ક્યુઅર્સ ભરૂચના આકાશભાઈ પટેલે પક્ષીઓને બચાવવાની જરૂરિયાત, તેની પ્રાથમિક સારવાર અને વેટરનરી ટ્રીટમેન્ટ સુધી ટ્રાન્સપોર્ટેશન કેમ કરવું તેને લગતું પ્રેઝન્ટેશન આપ્યું તેમજ ટીમ સાથે ઘવાયેલા કબુતરને કેવી રીતે પકડવું તેનો પ્રેક્ટિકલ ડેમો સાથે લાવેલ કબુતરને લઈ સૌને સમજાવ્યો.

મનમૈત્રી સેવા સંસ્થાના વેટરનરી ડૉકટરે જરૂરી દવાઓ અને પક્ષી હેન્ડલીગ સમજાવતું પ્રેઝન્ટેશન આપ્યું હતું. વન વિભાગ દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત રાજ્ય વ્યાપી પ્રસારિત વિડિઓ સૌને બતાવ્યો હતો. રોટરી કલબ ભરૂચના હાલના પ્રેસિડેન્ટ ડૉ. વિક્રમે સૌ સંસ્થાને હળીમળી પક્ષી બચાવવાની કામગીરી કરવા જણાવ્યું હતું.

ગુજરાતના સ્પર્ધકોએ 15 મેડલો મેળવીને ગુજરાત સહિત તેમના જિલ્લાઓનું ગૌરવ વધાર્યું

• પૂણેમાં રમાયેલી કિક બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ગુજરાત રાજ્યના સ્પર્ધકોએ 13 મેડલ મેળવ્યાં

પુણેના છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના બોક્સિંગ હોલમાં વાંકો ઇન્ડિયા નેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશીપનું આયોજન 27થી 30મી ડિસેમ્બર સુધી કરાયું હતું.આ ચેમ્પિયનશિપમાં ગુજરાત રાજ્યના વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ સહિતના જિલ્લાઓના 1300 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વાંકો ઇન્ડિયા નેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સ્પોર્ટ કિક બોક્સિંગ ગુજરાતના પ્રેસિડેન્ટ કોશી કલ્પેશ મકવાણા અને જનરલ સેક્રેટરી સીહાન ફરાહીમ મલેકના માર્ગદર્શન હેઠળ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

જયારે કોચ તરીકે ઇફ્તેખાર ખાન રફીક પટેલે હાજર રહીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ સ્પર્ધામાં ગુજરાતના અબુબકર, પ્રેમ પટેલ,અકલિમ ખાન, શાહિદ ખાન,મોરનકર વૈભવ,નિકિતા સાલૂનકે,અમાન રાજપૂત,મોહિત મિશ્રા,નેવિદ રાજપૂત અને રિતેશ મહાદિક નામના સ્પર્ધકોએ ઉત્ક્ર્સ દેખાવ કરીને વિજેતા જાહેર થયા હતા.

આ ચેમ્પિયનશીપમાં ગુજરાતના સ્પર્ધકોએ 07 ગોલ્ડ મેડલ,04 સિલ્વર મેડલ અને 04 બ્રોન્ઝ મેડલ મળીને કુલ 15 મેડલો મેળવીને ગુજરાત સહિત તેમના જિલ્લાઓનું ગૌરવ વધાર્યું છે.

અંકલેશ્વરની પ્લાસ્ટોકોન કંપનીમાં દીવાલ પડતા કોન્ટ્રકટર સહિત 4 ના મોત

અંકલેશ્વર GIDCમાં દુર્ઘટનામાં 4 લોકો મોતને ભેટ્યા છે. ઘટનાને પગલે પોલીસ, પ્રશાસન, એમ્બ્યુલનસો દોડતી થઈ જવા સાથે સાયરનોની ગુંજ અને લોકોની બુમરાણથી ઔદ્યોગિક નગરી અંકલેશ્વર ગુંજી ઉઠ્યું હતું.

અંકલેશ્વર GIDC માં આવેલી પ્લાસ્ટોકોન કંપની પ્લાસ્ટિકની ટાંકીઓ, પેલેટ્સ અને મોડુયલરો બનાવે છે.કંપનીમાં સિવિલ વર્કનું કામ ચાલી રહ્યું હતું. જે માટે કોન્ટ્રાકટના માણસો દ્વારા દીવાલ બનાવવાની કામગીરી થઈ રહી હતી. કોન્ટ્રકટર અને અન્ય કામદારો 6 ફૂટની દીવાલ ઉપર ઇંટો મૂકી ચણતર કરી રહ્યા હતા ત્યારે જ ધડાકાભેર દીવાલ તૂટી પડતા મજૂરો દટાઈ ગયા હતા.કામદારોની ચિચિયારીઓ વચ્ચે કંપની પરિસર ગુંજી ઉઠવા સાથે ત્રણ રસ્તા પર જ આવેલી કંપનીમાં દુર્ઘટનાની જાણ થતાં જ સ્થળ ઉપર ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા. દીવાલ ધરાશયી થવાની ઘટનામાં કોન્ટ્રકટર તેમજ એક મહિલા સહિત 4 લોકોના સ્થળ ઉપર જ મોત થયા હતા.જ્યારે અન્ય 3 લોકો દિવાલના કાટમાળ નીચે દબાતા પગે, હાથે ફેક્ચર સાથે શરીરે ઇજાઓ પોહચી હતી. રાહત બચાવની કામગીરી હાથ ધરવા સાથે 108 એમ્બ્યુલન્સ, પોલીસ અને વહીવટી તંત્ર સ્થળ પર દોડી આવ્યું હતું.મૃતદેહો તેમજ ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હત. ત્રણ ઘાયલોને જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ઘટનામાં કોન્ટ્રકટર કોણ હતો તેની પણ પુષ્ટિ થઈ ચૂકી ન હતી.ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં સંગીતાદેવી સુરેશ મંડલ, ઉ.વ.30, હાલ રહે સારંગપુર, મૂળ બિહાર ગોપાલ જેસિંગ રાજપૂત ઉ.વ.45, હાલ રહે. સારંગપુર, મૂળ બિહાર સંજય રણછોડ વસાવા ઉ.વ. 30 , રહે. આમોદમૌલા તોહસીન અંસારી ઉ.વ. 42નો સમાવેશ થાય છે.બનાવની તપાસ જીઆઇડીસી પોલીસ ચલાવી રહી છે.

ભરૂચ : દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી કલેકટરે ઉજવ્યો પુત્રનો જન્મદિન

ભરૂચ જિલ્લા કલેકટરે દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી પોતાના પુત્રનો જન્મદિન ઉજવ્યો હતો. અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં ભરૂચ જિલ્લાના સમાહર્તા તુષાર સુમેરા તેમના સંપૂર્ણ પરિવાર સાથે તેમના પુત્ર ચિ. મૃગાંક ના જન્મ દિનની ઉજવણી માટે ગયા હતા. સંસ્થા ના દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી ને જન્મદિનની ની ઉજવણી કરવામાં આવી હતી. એટલુંજ નહીં પરંતુ કલેકટર તરફથી આ સંસ્થા ના દિવ્યાંગ બાળકો માટે નાસ્તો તથા આખા દિવસનું સુરુચિ ભોજન આપવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

જન્મદિનની ઉજવણી બાદ સંસ્થાના વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન પણ સમાહર્તાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં ” ડેકોરેટિવ & ઇનોવેટિવ ક્લાસીસ ” તથા ” કોમ્પ્યુટર ક્લાસીસ ” નું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેકટરે સંસ્થા ના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી અને સંસ્થા ના સારા સેવાકીય કાર્ય ને બિરદાવ્યું હતું. આ શુભ અવસરે કલેકટર ના પરમ મિત્ર (ઈન્કમટેક્સ જોઇન્ટ કમિશનર અમદાવાદ, તેમના પૂજ્ય માતા- પિતા , તેમના ધર્મપત્ની સાથે સંપૂર્ણ પરિવાર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.વાય. મંડોરી સહિત અસ્મિતા સંસ્થાના પ્રમુખ યશવંતભાઈ પટેલ , ઉપપ્રમુખ મગનભાઈ હનિયા , મેનેજિંગ ટ્રસ્ટી સમીરભાઈ પટેલ તથા ખજાનચી કિર્તીભાઈ પટેલ હાજર રહ્યા હતા.

ભરૂચ : દાંડિયાબજાર સ્વામિનારાયણ મંદિરે પરંપરા મુજબ ભવ્ય શાકોત્સવ યોજાયો

ભરૂચ શહેરના દાંડિયાબજાર સ્થિત વડતાલ સંચાલિત સ્વામિનારાયણ મંદિરે 200 વર્ષ જૂની પરંપરા મુજબ રવિવારે યોજાયેલા ભવ્ય શાકોત્સવમાં ભક્તોએ ભાવભેર રીંગણનું શાક અને બાજરીના રોટલાના જમણની પ્રસાદી આરોગી હતી. સાથે જ મંદિરમાં સ્થાપિત પ્રાચીન ભગવાન રેવતી, બળદેવ અને શ્રીકૃષ્ણની પ્રતિમાઓના દર્શન કર્યા હતા.
ભરૂચ દાંડિયાબજાર સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ જણાવ્યું હતું કે, 200 વર્ષ પૂર્વે ભગવાન શ્રીહરિએ લોયાના સુરાખાચરના દરબારમાં ભવ્ય શાકોત્સવ ઉજવ્યો હતો. જેમાં શ્રીહરિએ સ્વહસ્તે રીંગણનું શાક બનાવી નંદસંતો – હરિભક્તોને પ્રેમ ભાવથી રીંગણનું શાક અને રોટલા જમાડી ખૂબ રાજી કર્યા હતા. આ પરંપરા આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાલી આવી છે.

દર વર્ષે શિયાળાની ઋતુમાં સંપ્રદાયમાં શાકોત્સવ ઉજવાઇ રહ્યો છે. આજે મંદિરમાં ભવ્યાતિભવ્ય રીતે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે મંગળા આરતી બાદ શ્રીહરિકૃષ્ણ મહારાજની મૂર્તિને રસોઇયાના વસ્ત્રો પહેરાવી ભગવાન જાતે રીંગણાનું શાક બનાવી રહ્યા હોય તેવું આબેહુબ દ્રશ્ય ઉભુ કરવામાં આવ્યું હતું.

જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી લોયાના શાકોત્સવની યાદ તાજી કરી હતી. ભગવાન શ્રીહરિને સમૈયા બહુ પ્રિય હતા. જેમાં લોયાનો શાકોત્સવ ઉજવાય છે. ભગવાન શ્રીહરિએ રીંગણાનું શાક બનાવી શાકભાજીમાં રીંગણનું મહત્વ વધારી દીધું છે. ભરૂચમાં આજે 80 કિલો રીંગણા, 50 કિલો બાજરીના રોટલા અને 10 ડબ્બા શુદ્ધ ઘીમાંથી ઉજવાયેલા શાકોત્સવના પ્રસાદનો લાભ મોટી સંખ્યમાં હરિ ભક્તોએ લઇ ધન્યતા અનુભવી હતી.

ભરૂચ : ઈતિહાસથી યુવા પેઢીને માહિતગાર કરવા હેરીટેજ ટ્રેઝર હંટ કાર્યક્રમ યોજાયો

•200 સ્પર્ધકોએ ભાગ લીધો

ભરૂચ સીટીઝન કાઉન્સિલ તથા ઈનર વ્હીલ કલબ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે રવિવારે સવારે હેરીટેજ ટ્રેઝર હંટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 જેટલા સ્પર્ધકોએ ભાગ લઈ વિવિધ કલુ મેળવી હેરીટેજ સાઈટ અંગેની માહિતી મેળવી હતી.

ભરૂચ એ સૌથી જુના નગરોમાંનું એક છે અને ભરૂચમાં 20થી વધુ હેરીટેજ સાઈટો આવેલી છે. આ સાઈટો અંગે યુવા પેઢી માહિતગાર થાય અને તેઓ ભરૂચના ઇતિહાસને સમજે તે હેતુથી ભરૂચ સીટીઝન કાઉન્સિલ તથા ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા હેરીટેજ ટ્રેઝર હંટનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચના કોટ વિસ્તાર ખાતેથી આ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં 42 જેટલી ટીમોના 200 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેઓને એક કલુ આપવામાં આવ્યો હતો. જેના આધારે તેઓએ જે તે હેરીટેજ સાઈટ ઉપર પહોચવાનું હતું.

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભરૂચ સીટીઝન કાઉન્સીલના પ્રમુખ જીવરાજ પટેલ, સેક્રેટરી હરીશ જોશી, ઇનર વ્હીલ કલબના પ્રમુખ રીઝવાના ઝમીનદાર પ્રોજેક્ટ ચેરમેન અર્ચના પટેલ, જન શિક્ષણ સંસ્થાનના ઝૈનુલ સૈયદ, નીતિન ભટ્ટ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
ભરૂચના ઈતિહાસ સાથે સંકળાયેલા શ્રેષ્ઠીઓનું આ તબક્કે સન્માન કરવામાં આવ્યું હતું. પ્રો. ડો. નરોત્તમ વાળંદ, પ્રો. મીનલ દવે તથા ભરૂચના છેલ્લા નવાબના વંશજ ડો. મોહસીન ખાનનું સન્માન કરાયું હતું.

આ સ્પર્ધામાં પ્રથમ ઇનામ 5 હજાર, દ્વિતીય ઇનામ 3 હજાર અને તૃતીય ઇનામ 2 હજાર પુરષ્કાર રૂપે આપવામાં આવ્યું હતું. ઇનામ વિતરણ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ વિજેતાઓને ઇનામો એનાયત કર્યા હતા. જિલ્લા સમાહર્તાએ ભરૂચ જિલ્લાના ઇતિહાસને ઉજાગર કરવા માટે તંત્ર તરફથી તમામ સહયોગ આપવા જણાવ્યું હતું.

દેડીયાપાડામાં કુમાર છાત્રાલયના ૧૦૮ માં ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો

આજે દેડીયાપાડામાં ભારત સેવાશ્રમ સંઘ ખાતે અંદાજે રૂા.૫૦ લાખના ખર્ચે સ્વ.ગૌરીબેન કાનજીભાઈ કાકડીયા કુમાર છાત્રાલયના ૧૦૮ માં ભવનના યોજાયેલા લોકાર્પણ સમારોહને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.

જેમાં જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, ૧૯૪૭ પછી દેશની આઝાદીમાં ક્રાંતિકારી મહાપુરુષોએ આપેલા યોગદાનથી વર્તમાન અને ભાવિ પેઢી માહિતગાર થાય તે હેતુથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હાથ ધરી છે, ત્યારે સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદજી, સ્વામી પરમાનંદ મહારાજ અને ડૉ.હેડગેવાર વગેરે જેવા મહાપુરૂષો-સંતો-મહંતોએ છેવાડાના માનવી માટેની કલ્યાણકારી પ્રવૃત્તિઓ દ્વારા ભારતીય સંસ્કૃતિના જતન અને સંવર્ધન ક્ષેત્રે વિશેષ યોગદાન આપ્યું છે તેનો પણ મંત્રીએ સવિસ્તાર ઉલ્લેખ કર્યો હતો.

ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં ભારત સેવાશ્રમ સંઘ દ્વારા ભારતવર્ષમાં અનેક જગ્યાએ આવી સંસ્થાઓની સ્થાપના-કાર્યરત કરીને અગાઉના વર્ષોમાં જ્યારે વીજળી, રસ્તા, પાણી વગેરે જેવી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ ન હતી તેવા સમયે આવા વિસ્તારોમાં શિક્ષણની જ્યોત પ્રગટાવીને આદિવાસી સમાજને બેઠો કરવા માટે કરેલા પ્રયાસો સરાહનીય છે, ત્યારે સરકાર દ્વારા પણ અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વિસ્તારવા સહિતના સર્વાંગીન વિકાસ માટે અમલી બનાવાયેલી કલ્યાણલક્ષી યોજનાઓની જાણકારી પણ મંત્રી મોદીએ આપી હતી.

મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ વધુમાં ઉમેર્યુ હતું કે, સમાજમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદરૂપ થવાની ભારતીય સંસ્કૃતિ એકબીજાને જોડવાનું કામ કરે છે, ત્યારે આદિવાસી સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે કેશુભાઈ ગોટી જેવા સમાજ શ્રેષ્ઠીઓ ભારત સેવાશ્રમ સંઘના માધ્યમથી છાત્રાલય જેવી સુવિધાઓ પૂરી પાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યાં છે, જે ખૂબ જ નોંધનીય અને આવકારદાયક છે. અહીં શિક્ષણ લઇ રહેલા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આ સંસ્થાની મુલાકાત લઇ પોતાનાથી યથાયોગ્ય સહયોગ અપાય તેવી લાગણી વ્યક્ત કરી આ સંસ્થા ભવિષ્યમાં વટવૃક્ષ બને તેવી શુભેચ્છા પણ તેમણે વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે મંત્રી પૂર્ણેશભાઇ મોદી અને ભારત સેવાશ્રમ સંઘના પ્રમુખ પ.પૂ સ્વામી અમરીશાનંદજી મહારાજના હસ્તે કુમાર છાત્રાલયના દાતા કાકડીયા પરિવારના દેવજીભાઈ કાકડીયા અને વલ્લભભાઈ કાકડીયા તેમજ સહયોગી દાતા માતૃ કાશીબા હરીભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કેશુભાઈ ગોટીને સન્માનપત્ર એનાયત કરવાં ઉપરાંત કર્મયોગી ટીમના સભ્યો તેમજ અન્ય મહાનુભાવો-દાતાઓ વગેરેનું અભિવાદન કરી તેમને સન્માનિત કરાયાં હતાં.
આ પ્રસંગે જાનકી આશ્રમના બાલિકાઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત, યોગ, ગરબો, પિરામિડ વગેરે જેવી કૃતિઓ રજૂ કરાઈ હતી તેમજ ઉપસ્થિત દાતાઓ તરફથી આ તમામ કૃતિઓ રજૂ કરનાર બાલિકાઓ-વિદ્યાર્થીંઓને હજારો રૂપિયાના રોકડ પુરસ્કાર એનાયત કરી તેમને પ્રોત્સાહિત કરાયાં હતાં.

આ પ્રસંગે ભારત સેવાશ્રમ સંઘના પ્રમુખ પ.પૂ સ્વામી અમરીશાનંદજી મહારાજ, કેશુભાઈ ગોટી, દિપકભાઈ, મનોજભાઇ તેરૈયા વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનિષભાઇ વઘાસીયાએ કર્યુ હતું.

આ કાર્યક્રમમાં ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદી, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, દેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ તારાબેન રાઠોડ, નર્મદા જિલ્લા પંચાયતની વિવિધ સમિતીના અધ્યક્ષ શાંતાબેન વસાવા, સોમાભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા, ભરૂચ દૂધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઇ વસાવા, જિલ્લાના અગ્રણી રણજીતભાઇ ટેલર, માતૃ કાશીબા હરીભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કેશુભાઈ ગોટી, ભારત સેવાશ્રમ સંઘ-સુરતના પ્રમુખ પ.પૂ સ્વામી અમરીશાનંદજી મહારાજ અને મંત્રી (દેડીયાપાડા) પ.પૂ.સ્વામી બોધમિત્રાનંદજી, દાતા પરિવાર, સંતો-મહંતો-અગ્રણીઓ સહિતના અન્ય પદાધિકારીઓ/અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

નેત્રંગના બલેશ્વર ગામમાં ઇન્ટર સ્ટેટ વુમન ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

•વુમન ક્રિકેટરો પણ પોતાની ઓળખ બનાવી આ ફિલ્ડમાં સારૂ પ્રદર્શન કરે તે આશય

•ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે હાજરી આપી

નેત્રંગ-રાજપારડી રોડ ઉપર આવેલ બલેશ્વર ગામના ચંદ્રકાંત વસાવાએ પોતાની દીકરી મુસ્કાનનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ અને ક્રેઝ જોઈ પોતાના ખેતરને ગ્રાઉન્ડમાં ફેરવી નાખ્યું હતું.નેત્રંગ તાલુકા સહિત આજુબાજુના વિસ્તારના ક્રિકેટ પ્રેમીઓ પ્રેક્ટિસ કરે છે.ચંદ્રકાંત વસાવાની મહેનત રંગ લાવી છે.

આજની યુવાપેઢીમાં ક્રિકેટની રમત પ્રત્યેનો ક્રેઝ વધારે છે.ત્યારે વુમન ક્રિકેટર પણ ઘર આંગણે પોતાની ઓળખ બનાવી ક્રિકેટની ફિલ્ડમાં સારૂ પ્રદર્શન કરે તે હેતુથી સ્વ.મધુબેન ફતેસિંહ વસાવા ટ્રોફી ઇન્ટર સ્ટેટ વુમન ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૦- ૨૧નું આયોજન કરાયું હતું.જેમાં ગુજરાતની ૭ અને મહારાષ્ટ્રની પણ બે ગર્લ્સ ટીમોએ ભાગ લીધો હતો.
ભરૂચ,સુરત-૧ સુરત-૨ વલસાડ,આણંદ,અમદાવાદ,નવસારી અને નાસીક અને અમરાવતી (મહારાષ્ટ્ર) ની જેવી અંડર -૧૯ ગર્લ્સ ટીમોએ ભાગ લીધો હતો.જેની ફાઈનલ મેચ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ દુષ્યંત પટેલની ઉપસ્થિતમાં યોજાઇ હતી. જેમાં ટુર્નામેન્ટ જીતનાર સુરતની ટીમને ટ્રોફી આપી અભિવાદન કરાયુ હતું.

•ઇકરામ,ન્યુઝલાઇન, નેત્રંગ.

ભરૂચ શહેરના ધોળીકૂઇ વિસ્તારમાંથી રૂ.૮૨૦૦૦ના વિદેશી દારૂ સાથે ૧ ઝડપાયો

ભરૂચ જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃતી અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ સુચના મળતા ભરૂચ શહેર ”એ“ ડીવીઝન પોલીસ ટીમ દ્વારા કેશો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામા આવ્યા હતા. તે દરમીયાન પોલીસ ટીમને બાતમી મળેલ કે રામ માછી નામનો વ્યક્તિ ધોળીકૂઇ વિસ્તારમા આવેલ ભાથીજી દાદાના ટેકરા ખાતે વિદેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ કરે છે.

જેથી એ ડિવિઝન પોલીસ ટીમે બાતમી હકીકત આધારે ભાથીજી દાદાના ટેકરા ખાતેથી બરાનપુરામા રહેતા બુટલેગર રામ સોમાભાઇ માછીને વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-૨૦૪, કી.રૂ.૮૧,૮૪૦/- તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ કિ રૂ. ૮૨, ૩૪૦/- ના મુદ્દામાલ સાથે રામ સોમાભાઇ માછી રહે-એ/૫૪૧, બરાનપુરા ખત્રીવાડ, ભરૂચને ઝડપી પાડી તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

error: Content is protected !!