- સત્સંગથી જીવનમાં દ્રઢતા આવે છે અને સારા સંસ્કારોનું સિંચન થાય છે : પૂ. રાજેશ્વર સ્વામી
સંસ્કૃત્તિનો આધાર મંદિર છે. મંદિરના માધ્યમથી દર્શન, કિર્તન, કથાવાર્તાનો લાભ દરેક ભક્તજનોએ લેવો જોઈએ. સત્સંગથી જીવનમાં દ્રઢતા આવે છે અને સારા સંસ્કારોનું સિંચન થાય છે. ઉપરોક્ત શબ્દો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જંબુસરના ૧૯ મા પાટોત્સવની ઉજવણી પ્રસંગે પૂ. રાજેશ્વર સ્વામીએ ઉચ્ચાર્યા હતા.પૂ. રાજેશ્વર સ્વામીએ આશિર્વચન આપતાં ભારતીય સંસ્કૃતિનું મહત્વ અનેક દાખલાઓ આપી સમજાવ્યું હતું. મનને સ્થિર કરે તે મંદિર તેમ જણાવતાં મંદિર આપણાં માટે છે. આપણી પરંપરા આપણે ભુલી ન જઈએ તે માટે મંદિર છે. તેમણે મંદિરનું મહત્વ સમજાવતાં બાળકોને વારસામાં સંસ્કાર આપવાના છે અને એ સાચા સંસ્કારનું સિંચન મંદિરના માધ્યમથી થાય છે. તેમણે સત્સંગ વધુ દ્રઢ કરવા પર ભાર મુકી દરેક ભક્તોએ ઘરસભા તો કરવી જ જોઈએ તેમ જણાવ્યું હતું.
મંદિર એટલે શ્રધ્ધાનું કેન્દ્ર અને સંસ્કૃતિનો આધારસ્થંભ હજારો વર્ષથી ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના મંદિરો ધ્વારા રક્ષણ અને પોષણ થઈ રહ્યું છે. વિશ્વ વંદનીય સંત વિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે દેશ-પરદેશમાં ૧૧૦૦ થી વધુ મંદિરોનું નિર્માણ કરી સંસ્કાર સરીત વહેતી રાખી છે આવું જ એક મંદિર ૧૯ વર્ષ પૂર્વે જંબુસરમાં પ્રમુખસ્વામી મહારાજે સમાજના ચરણે ધર્યું હતું ત્યારે જીવનમાં પ્રમુખસ્વામીએ આપણાં માટે શું કર્યું તેવો ભાવ પણ પેદા કરવા ભક્તજનોને પૂ. રાજેશ્વર સ્વામીએ અનુરોધ કર્યો હતો. પૂ. વિવેકનિષ્ઠ સ્વામીએ સંસ્કૃતિનો આધારસ્તંભ શાસ્ત્ર, મંદિર અને સંત છે. તેમણે પાટોત્સવનું મહત્વ વચનામૃતના દાખલા આપી સમજાવ્યું હતું. તેમણે જીવનમાં કામ, ક્રોધ, લોભ, મોહ્ને ત્યજવા જણાવ્યું હતું. અધ્યાત્મ માર્ગમાં સાતત્ય ખુબ જ જરૂરી છે. ભગવાન અને સંત માટે કેટલું કર્યું તે જીવનમાં મહત્વનું છે તેમણે શાસ્ત્રોનું વાંચન, સ્વામીજીની વાતો જીવનમાં નિરંતર સાંભળવી જોઈએ. અંતમાં તેમણે મુમુક્ષાનો ચાર્જ કરવાનો દિવસ એટલે પાટોત્સવ તેમ તેમણે જણાવ્યું હતું. ૧૯ મા પાટોત્સવની ઉજવણી અવસરે વિશિષ્ટ પ્રવૃત્તિઓ કરનાર ભક્તજનનું સન્માન કરાયું હતું. બપોરે મહાપૂંજા અને અન્નકુટ દર્શન રાખવામાં આવેલ હતા. સાધુશ્રી જ્ઞાનવીર દાસે ૧૯ માં પાટોત્સવની પૂર્વ ભૂમિકા આપી હતી. આ અવસરે ખુબ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
- સંજય પટેલ.ન્યુઝલાઇન,જંબુસર