નર્મદા જિલ્લામાં હાલ વિકાસના કામો પુર જોશમાં ચાલી રહ્યા છે.વિકાસના કામો ખરેખર ચાલી તો રહ્યાં છે પરંતુ અમુક વિસ્તારોમા અધિકારીઓની યોગ્ય દેખરેખ ન હોવાથી કામો તકલાદી થઈ રહ્યા છે એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.વિકાસના કામોની ગુણવત્તા ચકાસવી એ અધિકારીઓની ફરજમાં આવે છે, અધિકારીઓ પોતાની ફરજ ચૂક કરે છે એના જ પરિણામ સ્વરૂપે વિકાસ તકલાદી થઈ રહ્યો છે.એવા જ એક તકલાદી વિકાસ કામની પોલ ખુદ નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગોહેલે ખોલતા ખળભળાટ મચ્યો છે.
નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રોડ, રસ્તા ન હોવાથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, ગ્રામજનોની રજુઆતને પગલે સરકારે રોડ, રસ્તાના કામો મંજુર પણ કરી દીધા છે.એ જ પૈકીના સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ગરુડેશ્વર તાલુકાના ગુલવાણીથી ચાપડ ગામ વચ્ચે પાકો રસ્તો બનાવવાની લોકોની વર્ષો જૂની માંગને પગલે હાલ ત્યાં ડામર રસ્તો બની રહ્યો છે.એ રસ્તાના કામમાં મોટે પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની બાબત નર્મદા જિલ્લા આમ આદમી પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગોહેલને મળતા તેઓ ત્યાં પહોંચ્યા હતા.
તેઓએ ત્યાં જઈ રસ્તાની ગુણવત્તા જાતે ચેક કરી તો માલુમ મળ્યું કે રોડની કામગીરી તકલાદી થઈ છે.ધર્મેન્દ્રસિંહ ગોહેલે જણાવ્યું કે અહીંયા મજબૂત ડામર રોડ બનવો જોઈએ તે બન્યો નથી.રોડ પર માત્ર પગની એડી ઘસવાથી પણ રોડ ઉખડી જાય છે.અને બનાવેલ રોડનું મટીરીયલ પણ હાથમાં આવી જાય છે.એમણે પ્રશ્ન ઉઠાવ્યા હતા કે શું અહીંયાનાં કોન્ટ્રાકટર આવી રીતે પ્રજા તથા સરકારને છેતરવાનું જ કામ કરતા હશે કે પછી અધિકારીઓએ કટકી ખાધી હશે ??? આવા ગરીબ આદિવાસીઓનાં ગામમાં બનતા રોડનું આયુષ્ય કેટલા સમયનું.નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર શુ ઘ્યાન રાખે છે ??સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાછળના ગામોમાં આવા તકલાદી કામો જ થતાં હશે???
અત્રે એ ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે સરકારની આ જિલ્લા પર વિશેષ નજર રહે છે.આ જિલ્લામાં દેશ વિદેશના પ્રવાસીઓ આવતા હોવાથી જિલ્લાની સ્થિતિ અન્ય જિલ્લાઓ કરતા સારી રાખવી એ સરકારની પ્રાથમિકતા છે પરંતુ સાથે સાથે જિલ્લામાં થતા વિકાસના કામોની સારી ગુણવત્તા રાખવી એની પર બાઝ નજર રાખવી એ પણ સરકારની અને સરકારના અધિકારીઓની જવાબદારી તો છે જ.ત્યારે ગરુડેશ્વર તાલુકાના ગુલવાણીથી ચાપડ ગામ વચ્ચે બનેલા પાકા રસ્તાની હલકી ગુણવત્તા એ અધિકારીઓ આંખ આડા કાન કરી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતા હોવાની ચાડી જરૂર ખાય છે.
- વિશાલ મિસ્ત્રી,ન્યુઝલાઇન,રાજપીપળા