આમોદ તાલુકના રોધ ગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી.જેથી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવાયો હતો.જ્યારે અકસ્માત કરનાર સ્વીફ્ટ ગાડીનું આગળનું ટાયર ફાટી જતાં કાર ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો.પોલીસે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના રોધ ગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો.જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેથી તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો.જ્યારે અકસ્માત કરનાર કાર ચાલક પોતાના કબજામાની સ્વીફ્ટ કાર મૂકીને ફરાર થઇ ગયો હતો.જે કાર નંબર જીજે ૦૫ જેબી ૨૪૨૫ માં પાછળની ડિક્કીમા ચાર બકરાં તેમજ પાછળની સીટમાં પાંચ બકરાં ઘાસચારા કે પાણીની સગવડ વગર નિર્દયી રીતે ટૂંકી દોરી વડે એકબીજા ઉપર ક્રૂરતાપૂર્વક બાંધ્યા હતાં. તેમજ બકરાઓ બોલે નહીં માટે તેમના મોંઢા ઉપર ટેપ પટ્ટી ચોંટાડી દીધી હતી.જેથી આમોદ પોલીસે કાર તેમજ બાઇક પણ કબજે કર્યા હતાં.તેમજ કુલ નવ બકરાંને આમોદ પોલીસ મથકે લાવી ઘાસચારા તેમજ પાણીની સગવડ કરી આપી હતી.સ્વીફ્ટ કારમાં લીલી તુવેર તેમજ કાળા કલરની ટેપ પટ્ટી તેમજ બે મોટા પથ્થર પણ મળી આવ્યા હતા.આમોદ પોલીસે નવ બકરાની કિંમત ૫૪૦૦૦ તેમજ સ્વીફ્ટ ગાડીની કિંમત બે લાખ મળી કુલ ૨૫૪૦૦૦ ના મુદ્દામાલ કબજે કર્યો હતો.જ્યારે બકરાઓના કોઈ માલીક નહીં મળતા પાંજરાપોળ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
- વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ