વાગરાના ગલેન્ડા ગામે યોજાયેલાં લગ્ન પ્રસંગમાં રાત્રીના સમયે વરઘોડો નિકળ્યો હતો. વરઘોડામાં જોડાયેલાં ગામના અને બહારથી આવેલાં જાનૈયાઓ સહિતના લોકોએ ડીજેના તાલે નાચવા માટે ઉમટી પડ્યાં હતાં. જોકે, તે પૈકીના કેટલાંક શખ્સોએ વટ જમાવવા માટે હાથમાં એરગન, હોકી સ્ટીક, ઘોડાને હાંકવાની ડાંગ સહિતના મારક હથિયારો હવામાં ઉછાળ્યા હતાં.
જે બાદ વરઘોડામાં મારક હથિયારો ઉછાળ્યાં હોવાના વિડિયો વાયરલ થયાં હતાં. જે અંગે દહેજ પોલીસને જાણ થતાં પીઆઇ બી. એન. સગર તેમજ તેમની ટીમે એક્શનમાં આવી વિડિયોના આધારે અરબાઝ ફિરોજ રાજ, મુનાફ નસરૂદ્દીન રાજ તેમજ ઇકબાલ ઇસાક રાજની અટકાયત કરી તેમની વિરૂદ્ધ ગુનો નોંધી તમામની ધરપકડ કરવામાં આવી છે.વાગરા તાલુકાના ગલેન્ડા ગામે લગ્ન પ્રસંગમાં જમવાનું પિરસવાના મુદ્દે બે પરિવારના સભ્યો વચ્ચે ધિંગાણું સર્જાયું હતું. શરીફ માનસંગ ખાન દ્વારા નોંધાયેલી ફરિયાદ મુજબ, ગામમાં લગ્ન પ્રસંગે ભત્રીજો રિયાઝ દાઉદ ખાન હોલમાં જમવાનું પિરસતો હતો. તે વેળાં તેની સાથે જ પિરસવાનું કામ કરતો આશિફ દાઉદ રાજે તું કેમ અહિંયા પિરસવા આવ્યો છે તેમ કહીં અપશબ્દો ઉચ્ચારતાં તેને અપશબ્દો બોલવાની ના પાડતાં ઇશાક ગેેમલસંગ રાજે તેને તમાચો મારી દીધો હતો.
જેથી શરીફ ખાન તેના બે ભાઇઓ સાથે તેમને સમજાવવા જતાં આશિફ દાઉદ રાજ, ઇશાક ગેમલસંગ રાજ, મુનાફ નસરૂ રાજ, ફિરોજ ઉદેસંગ રાજ તેમજ ઇકબાલ ઇશાક રાજે તેમને માર માર્યો હતો. બનાવ સંદર્ભે મહેમુદાબેન અજીત રાજે ફરિયાદ નોંધાવી છે કે, તેઓ હોલમાં જમવા માટે બેઠાં હતાં. તે વેળાં ગામનો રિયાઝ દાઉદ ખાન તથા અફઝલ સલીમ રાજ જમવાનું પિરસતાં હોઇ તેમની પાસે જમવાનું માંગતાં આ લોકોને જમવાનું નાંખી આપો તેમ કહેતાં તેમની વચ્ચે બોલાચાલી થતાં રિયાઝ દાઉદ ખાન, અફઝલ સલીમ રાજ, શરીફખાન માનસંગખાં ખાન, ઇબ્રાહિમ માનસંગ ખાન તેમજ સલીમ સરદારસંગ રાજે એક સંપ થઇ તેમના ઉપર હૂમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.