ભરૂચ નગરપાલિકા કક્ષાના વોર્ડ નં.૩, ૪, ૮ અને ૧૧ માટેનો સેવાસેતુનો કાર્યક્રમ ભરૂચના પંડિત ઓમકારનાથ કલાભવન હોલ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આઠમા તબકકા સેવા સેતુના પ્રારંભ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ભરૂચના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે જણાવ્યું હતું કે આજથી સમગ્ર રાજ્યમાં આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ થયેલ છે. સેવાસેતુના કાર્યક્રમ થકી રાજ્યના લોકોને પ્રજાલક્ષી વહિવટની પ્રતિતી થાય અને ઘર આંગણે જ સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલી ૫૬ સેવાઓનો જેવી કે વિધવા સહાય, નિરાધાર વૃધ્ધ સહાય, દિવ્યાંગ સહાય, આધારકાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા, ઉજ્જલા યોજના, આવાસ તેમજ આરોગ્ય યોજના સહિત અનેક યોજનાઓ આવરી લેવામાં આવેલ છે.
દુષ્યંતભાઇ પટેલે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર- ભરૂચ ધ્વારા ઉત્કર્ષ પહેલ યોજના અંતર્ગત વિધવા સહાયની ઝુંબેશ હાથ ધરી ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે જેને બિરદાવી ધરઆંગણે મળતી સુવિધાઓનો મહત્તમ લાભ લેવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
નગરપાલિકાના પ્રમુખ અમીતભાઇ ચાવડાએ પ્રાસંગિક ઉદબોધનમાં છેવાડાના વ્યકિત સરકારની કોઇ પણ યોજનાથી વંચિત ન રહી જાય તે માટે સેવાસેતુના આઠમા તબકકાનો પ્રારંભ કરવામાં આવેલ છે. તેમણે સેવાસેતુ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા નગરજનોને અનુરોધ કર્યો હતો.
આ વેળાએ લાભાર્થીઓને વિવિધ યોજનાઓના પ્રમાણપત્રો, સહાયપત્રો મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં નગરપાલિકાની વિવિધ કમિટિના ચેરમેનો, સદસ્યોઓ, વિવિધ વિભાગોના અધિકારીગણ, નગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીગણ, નગરજનો, લાભાર્થીઓ મોટી સંખ્યામાંઉપસ્થિત રહયા હતા.