
- ડેપ્યુટી કલેકટર નિલેશ દુબેએ દિલગીરી વ્યક્ત કરી;
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા વધુ એક વાર વિવાદમાં આવે તેવી ઘટનાનો ઓડિયો ક્લિપ વાયુવેગે સોશિયલ મિડીયામાં વાઈરલ થઈ રહી છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારી અને CISF ના કર્મચારી વચ્ચે થયેલ વાતચીતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આ ઓડિયો સાંભળતા જણાય છે કે આ ઓડિયોમાં આદિવાસી સમાજની લાગણી દુભાય તેવી ઓડિયો ક્લિપ સામે આવી છે. આ ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ સંભળાય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારી દ્વારા કહેવામાં આવી રહ્યુ છે કે “ યે આદિવાસી લોગ હૈ, જિન્કો ખાના નહીં મિલતા થા, ચડ્ડી પહેનકે રોડ પે ઘુમતે થે ઔર જડીબુટ્ટી ખાતે થેં” જેવા ખુબ જ અપમાનિત શબ્દો બોલીને આદિવાસી સમાજની મજાક બનાવતો ઓડિયો સામે આવ્યો છે. આ બાબતથી સ્પષ્ટ થાય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ જાતિવાદ પેદા થયો હોય તેમ જણાઈ આવે છે. અગાઉ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી વારંવાર ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે વધુ એક વાર ઉચ્ચ અધિકારી દ્વારા જાતિવાદ ફેલાવતા હોવાનું સામે આવ્યું છે.
આ અંગે ડૉ.પ્રફુલ વસાવાએ પણ પોતાનો સામે વિડિઓ વાયરલ કરી આવતી કાલે કેવડિયા બંધનું એલાન આપ્યું છે. અને વધુમાં જણાવ્યું છે કે પ્રધાનમંત્રી જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિવાસીઓને રોજગારી આપવા માટેનો એક પ્રોજેકટ છે તેમ જણાવતાં હોય ત્યારે આવા નાત-જાતની વાતો કરતાં અધિકારીને હવાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી મૂકી દેવામાં આવે ત્યારે રોજગારી તો દૂરની વાત પરંતુ સ્થાનિકોને અન્યાય સિવાય કંઇ મળે તેમ નથી. જ્યારે નર્મદા જિલ્લો સંપૂર્ણ ટ્રાઈબલ વિસ્તાર હોવા છતાં બહારથી આવેલા અધિકારીઓ નર્મદા જિલ્લામાં આ પ્રમાણેનું વર્તન કરતાં હોય તો અન્ય વિસ્તારમાં આદિવાસીઓ સુરક્ષિત છે કે કેમ? તે એક પ્રશ્ન ઉભો થયો છે. બીજીવાર કોઈ અધિકારી આવી નાત-જાતની વાતો ન કરે તે હેતુથી આ અધિકારીને “એટ્રોસીટી એક્ટ” હેઠળ કડકમાં કડક સજા થાય તેવી આદિવાસી સમાજની માંગ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ના તમામ કર્મચારીઓ આવતીકાલે થી શનિવાર, રવિવાર અને સોમવાર સુધી આદિવાસી સમાજ નું અપમાન કરનાર નાયબ કલેકટર ને હટાવવા માં નહીં આવે અને તેમની ઉપર ગુજરાત સરકાર કાર્યવાહી નહીં કરે ત્યા સુધી હડતાળ પર ઉતરશે એવી પણ ચીમકી આપી છે
તો સામી બાજુએ ડેપ્યુટી કલેકટર નિલેશદુબેની પણ પ્રતિક્રિયા સામે આવી છે.એમણે એક નિવેદન જારી કરી કેટલીક સ્પષ્ટતા કરી દિલગીરી પણ વ્યક્ત કરી છે.નિલેશ દુબેના નિવેદનમા જણાવ્યું છે કે ગઈકાલથી મારા નામના ઉલ્લેખ સાથેનો એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે.જે ઓડિયો એડિટ કરીને ચલાવાઈ રહ્યો છે, જે અર્ધસત્ય પ્રગટ કરે છે.
વાસ્તવમાં sou કેમ્પસમાં એક કર્મચારીને cisfના મહિલા કર્મચારી સાથે વિવાદ થયો હતો અને તે કર્મચારીએ મને ફોન કરી ફરિયાદ કરી હતી,અને તેજ દરમ્યાન sou ના મારા હાથ નીચેના કર્મચારીના બચાવમાં અમુક શબ્દો કહ્યા તે તેના માટે વ્યક્તિગત હતા.
પરંતુ અગમ્ય કારણોસર આખા ઓડિયો ના બદલે એડિટ કરી અમુક જ ભાગ વાયરલ કરેલ છે. પૂરેપૂરો ઓડિયો જો બહાર આવે તો ખરી સત્યતા બહાર આવે તેમ છે.
તો સામે આખી વાત મારા હાથ નીચેના કર્મચારીને બચાવવા માટેની હતી જેમાં જે ઓડિયોમાં હકીકત દેખાય છે તે અર્ધસત્ય છે. પૂરેપૂરો ઓડિયો વાયરલ થાય તો સત્ય હકીકત ખબર પડે તેમ છે, જે ઉલ્લેખ થયેલ તે માત્ર એક કર્મચારીની cisfના મહિલા કર્મચારી સાથે બબાલ થઈ તેના માટે જ હતી.તેમ છતાં મારી ભાવના કોઈ એક જાતિ માટે હતી નહીં અને ભવિષ્યમાં રહેશે નહીં. તેમ છતાં કોઈની લાગણી દુભાઈ હોય તો હું દિલગીર છું.ફરી એકવાર કહીશ કે મારા હાથ નીચેના કર્મચારીને બચાવવા માટે સમગ્ર વાતચીત થઈ હતી તેના સિવાય અન્ય કઈ આશય નથી.હું વર્ષ 2018થી આ જગ્યાએ ફરજ બજાવું છું અને સ્થાનિકોને સાથે રાખીને આ વિસ્તારમાં સતત કાર્ય કરી રહ્યો છું જેનાથી સૌ વાકેફ પણ છેજ,પરંતુ કેટલાક વિધ્નસંતોષી લોકો સમાજને ગેરમાર્ગે દોરવા સારૂ આવા એડિટ કરેલ ઓડિયો વાયરલ કરી રહ્યાં હોવાનું નિલેશ દુબેએ જણાવ્યું હતું.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા (નર્મદા)