સુરત ખાતે ઇન્ડિયન પાવર લિફ્ટિંગ ફેડરેશન દ્વારા આયોજિત નેશનલ લેવલની સ્પર્ધા યોજાઈ જેમાં ભારતભરમાંથી આવેલા સ્પર્ધકોમાં ભરૂચ જિલ્લાના બે યુવાનોએ પોતાનું કૌવત બતાવીને એક યુવકે ગોલ્ડ મેડલ સાથે ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો ખિતાબ સાથે બીજા યુવકે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
સુરતમાં 17થી 19મી માર્ચ 2022ના ઇન્ડિયન પાવર લિફ્ટિંગ ફેડરેશન દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે નેશનલ લેવલની બે દિવસીય સ્પર્ધાનું આયોજન કરાયુ હતું.આ સ્પર્ધામાં ભારતના પંજાબ,જમ્મુ કાશ્મીર,યુપી, મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર અને ગુજરાત મળીને અંદાજીત 50થી વધારે સ્પર્ધકોએ અલગ-અલગ કેટેગરીની પાવર લિફ્ટિંગ અને ડેડ લિફ્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ સ્પર્ધા ભરૂચ જિલ્લામાં આવેલા હર્ક્યુલસ જીમના બે સ્પર્ધકો ધવલ ખત્રી અને હસન રસીદ એહમદ ઉઘરાતદાર પણ ભાગ લીધો હતો.જેમાં સિનિયર મેનની 67.5 ની કેટેગરીમાં પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ભરૂચ જિલ્લા માટે ત્રણ વર્ષમાં 8 ગોલ્ડ મેળવનાર અને ડેડ લિફ્ટમાં 6 વખત ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો ખિતાબ મેળવનાર ધવલ ખત્રીએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં પણ ધવલ ખત્રીએ પોતાનું કૌવત બતાવી પાવર લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ અને ડેડ લિફ્ટમાં 225 કેજી સાથે ગોલ્ડ મેડલ સાથે ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો ખિતાબ મેળવીને ગુજરાત અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.જયારે હસન રસીદ એહમદ ઉઘરાતદારે પણ સિનિયર મેનની 60 કેટેગરીમાં ભાગ લઇને પાવર લિફ્ટિંગ અને ડેડ લિફ્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. બંનેય યુવાનોને આયોજકો દ્વારા મેડલ અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરાયા છે.