અંગ્રેજોની આધિનતા નહીં સ્વિકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને, રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ડાંગ દરબારના ઐતિહાસિક મહોત્સવમા પધારેલા દેશવિદેશના મહાનુભાવોનુ રાજ્ય સરકાર વતી સ્વાગત કર્યુ હતુ.
ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમનુ ઉદ્ઘાટન કર્યા બાદ રાજ્યપાલે આદિવાસી સમાજની જીવનશૈલી, તેમનો પ્રકૃત્તિપ્રેમ, કલા વારસો વિગેરેને જાણવાનો અને માણવાનો અણમોલ અવસર પુરો પાડતા ડાંગ દરબારની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કર્યો હતો.રાજા, રજવાડાઓની માતૃભૂમિ પ્રત્યેની દેશભક્તિની અપ્રતિમ ચાહનાને યાદ કરતા ડાંગ જિલ્લાના આ ઐતિહાસિક મહોત્સવને કારણે, દેશની શુરવિરતા, શૌર્યગાથા, અને આદિવાસી ગૌરવને જાણવાનો અવસર પ્રદાન થાય છે તેમ પણ નામદાર રાજ્યપાલે ઉમેર્યુ હતુ.
ગુજરાતની તમામ સરકારોએ વિશેષ કરીને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની કાર્યપ્રણાલીને કારણે ગુજરાતમા વિકાસને નવો વેગ મળ્યો છે, તેમ જણાવી રાજ્યપાલે આદિવાસી પ્રજાજનોને પ્રવાસનના માધ્યમથી ઘરઆંગણે જ રોજગારી પ્રાપ્ત થાય તેવા બહુવિધ પ્રયાસોનો ખ્યાલ આપ્યો હતો.
પ્રાકૃતિક પ્રવાસન સ્થળોના સર્વાંગિણ વિકાસની સાથે સાથે દર્શનિય યાત્રાધામો ખાતે આવતા સહેલાણીઓ માટે પાયાકિય સુવિધાઓનો વ્યાપ વધારવા ઉપર ભાર મુકતા રાજ્યપાલે, પ્રાકૃતિક સૌંદર્યના ખજાના સમાન ડાંગ જિલ્લાના ધાર્મિક/ઐતિહાસિક સ્થળોને કારણે અહી પ્રવાસન પ્રવૃત્તિના વધી રહેલા વ્યાપને કારણે, ડાંગ જિલ્લો વિકાસની નવી ઊંચાઇને આંબી રહ્યો છે તેમ જણાવ્યુ હતુ.
સમાજના તમામ સમુદાયોને વિકાસની મુખ્યધારામા જોડવા બદલ રાજ્ય સરકાર, અને જિલ્લા પ્રશાસનને અભિનંદન પાઠવતા રાજ્યપાલે સૌને સાથે મળીને, ડાંગ જિલ્લાના પ્રજાજનોના સર્વાંગિણ વિકાસ માટે સહયોગી બનવાની અપીલ કરી હતી.ઉલ્લેખનિય છે કે, ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમ વેળા રાજ્યપાલના હસ્તે માજી રાજવીઓ, નાયકો અને તેમના ભાઉબંધોને વાર્ષિક પોલિટિકલ પેન્શનની ટોકન રકમ પણ અર્પણ કરી હતી.