- કામદારોને ઝઘડીયા જીઆઇડીસીમાં લઇ જતી બસને અકસ્માત થતાં એક ઇસમ ફસાયો.
- અકસ્માતના બે કલાક બાદ પણ ઝઘડિયા રાજપારડી પોલીસ અકસ્માત ઘટના પાંચ કિલોમીટર નજીક ઘટનાસ્થળે પહોંચી ન હતી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીક એક ખાનગી લક્ઝરી બસને આજે સવારે અકસ્માત થતાં સાત જેટલા ઇસમો ઇજાગ્રસ્ત થતાં તેમને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા.
આ અંગે મળતી વિગતો મુજબ આ ખાનગી બસ કામદારોને લઇને ઝઘડીયા જીઆઇડીસીમાં જઇ રહી હતી ત્યારે અચાનક ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા રતનપુર નજીક પુલની રેલિંગ સાથે બસ અથડાઇ હતી. અકસ્માતની જાણ થતાં રતનપુરના સ્થાનિક રહીશો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં કેટલીક વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં તેમને એમ્બ્યુલન્સ બોલાવીને અવિધા સરકારી સરકારી દવાખાને લઇ જવાયા હતા.
અકસ્માતમાં એક ઇસમ બસના દરવાજા પાસે ફસાઇ જતા બસનું પતરૂ કાપીને તેને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બસમાં ઝઘડીયા જીઆઇડીસીમાં જતા જે કામદારો મુસાફરી કરી રહ્યા હતા તેમના સંબંધીઓને ઘટનાની જાણ થતાં તેમના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરંતુ ઘટના સ્થળે થી ફક્ત પાંચ કિલોમીટર દૂર ઝઘડિયા રાજપારડી પોલીસ બે કલાક બાદ પણ ઘટનાસ્થળે પહોંચી શકી ન હતી. ઉલ્લેખનીય છેકે ઝઘડીયા રાજપારડી વચ્ચે છાસવારે નાનામોટા અકસ્માતો સર્જાય છે. અાજના આ અકસ્માતે અકસ્માતોની વણથંભી પરંપરાને જાળવી રાખી હોય એમ જણાઇ રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર રાજપિપલા વચ્ચેનો સરદાર પ્રતિમા ધોરીમાર્ગ તેના પરથી દોડતા વાહનોની મોટી સંખ્યાને લઇને ચોવીસ કલાક વાહનોની રફતારથી જીવંત રહેતો માર્ગ ગણાય છે. આ માર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી ખોરંભે પડી છે. આ અકસ્માતમાં બસમાં ફસાયેલા પૈકી એક ઈસમનું મૃત્યુ થયું હોવાની આશંકા જતાવી રહી છે.
- જયશીલ પટેલ,ન્યુઝલાઇન, ઝઘડીયા