પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત ભરૂચના રોટરી કલબ હોલ અને કસક ખાતે જિલ્લા કલેકટર તુષાર સુમેરાના વરદહસ્તે પોલીયો રસીકરણ અભિયાનનો દિપ પ્રાગટય કરી શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે કલેકટરે ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને પોતાના 0થી 5 વર્ષના બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવી રાષ્ટ્રને પોલીયોમુક્ત બનાવવાના અભિયાનમાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે.
કલેકટરે જિલ્લાનું 0થી 5 વર્ષની વયનું એક પણ બાળક પલ્સ પોલીયોની રસીથી વંચિત ન રહે તેમજ સંબધિત અધિકારીઓને 100 ટકા કામગીરી થાય તે જોવા ખાસ કાળજી અને તકેદારી રાખવા જિલ્લા આરોગ્યતંત્રને જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પણ પુરૂ પાડ્યું હતું. જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા તા.27મીના રોજ રવિવારે 967 બુથ પરથી બાળકો માટે સઘન પલ્સ પોલીયોની રસીકરણનું અભિયાન પ્રારંભ થયો હતો. ત્યારબાદ સોમવાર અને મંગળવારે ઘરે ઘરે જઈને બાકી રહી ગયેલા બાળકોને પોલીયોના ટીપા રસીકરણ હેઠળ જિલ્લામાં 227301 બાળકોને આવરી લેવાશે. જેમાં ટ્રાન્ઝીટ પોઇન્ટ તથા મોબાઈલ ટીમમાં 486 કર્મચારીઓ અને 54 સુપરવાઈઝર, મળી કુલ 540 જેટલાં આરોગ્ય વિભાગનાં અધિકારીઓ-કર્મચારીઓ આ અભિયાનમાં તેમની સેવાઓ આપશે.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરા, ડો. અનિલ વસાવા, રોટરી કલબ- ભરૂચના હોદેદારો, આરોગ્ય વિભાગના અધિકારીગણ, બાળકો ઉપસ્થિત રહયા હતા.