• ગૃહરાજ્ય પ્રધાનના આદેશથી પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો

ભરૂચના ચકલા વિસ્તારમાં રહેતી પરિણીતાએ થોડા દિવસ પહેલા ઘરમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેનો પતિ તેને મુકી આફ્રિકા ચાલ્યો ગયો હતો. પરિણીતાને જીવન નિર્વાહ માટે પૈસા પણ મોકલતો ન હતો. આ દરમિયાન પરિણીતાએ આત્મહત્યા કરી લેતા તેના પિતાએ પરિણીતાના પતિ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. પોતાની દીકરી ગુમાવનાર પિતાએ ન્યાયની આશા એ પોલીસમાં ફરિયાદ કરી હતી પરંતુ પોલીસે ફરિયાદ દાખલ કરી ન હતી. જેથી અંતે પિતાએ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને રજૂઆત કરતાં ગૃહમંત્રીના આદેશના પગલે પોલીસે પતિ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરીયાદ અનુસાર અમદાવાદના ઓમકારેશ્વર સોસાયટી વટવાના રહીશની દીકરીએ ગત તારીખ 13/8/2020ના રોજ ભરૂચના ચકલા વિસ્તારમાં રહેતા શખ્સ સાથે લગ્ન કર્યા હતા. જોકે, લગ્નના 3 મહિના બાદ શખ્સ તેની પત્નીને મૂકી આફ્રિકા ચાલ્યો ગયો હતો. ત્યારથી પરિણીતાને જીવન નિર્વાહ માટે પૈસા પણ મોકલાવતો ન હતો. ત્યારે બર્થ ડે હોવાના કારણે પરિણીતા અમદાવાદ ખાતે આવી હતી અને બર્થ ડે બાદ પરત સાસરે ભરૂચ જતી રહી હતી.

આ દરમિયાન ગત તારીખ 30/9/2021ના રોજ દીકરીના સાસરીમાંથી ફોન આવ્યો હતો કે, તમારી દીકરી ઘરમાં એકલી હતી તે વખતે પોતાની જાતે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જેથી મૃતકના માતા-પિતા અને ભાઈ તાબડતોબ ભરૂચ દોડી આવ્યા હતા. જ્યા દિકરી મૃત અવસ્થામાં જમીન પર હતી.

દિકરીએ પતિના ત્રાસથી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હોવાનો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો હતો. દિકરી જ્યારે CAનો અભ્યાસ કરતી હતી ત્યારે પણ તેનો પતિ આફ્રિકાથી તેની ફી ભરવા માટે રૂપિયા મોકલતો ન હતો અને ઘણી વખત જમાઈ મૃતકને છૂટાછેડા આપવા પણ કહેતો હતો. તેમજ ફોન ઉપર ગાળો પણ ભાંડી છે જેવા ગંભીર આક્ષેપ પરિવારજનોએ કર્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે એ ડિવીઝન પોલીસે સાઉથ આફ્રિકામાં રહેલા મૃતકના પતિ કૃષ્ણકાંત સુશીલકુમાર નાયર સામે પત્નીને આપઘાત કરવા માટે દુષ્પ્રેરણા આપવા અંગેનો ગુનો દાખલ કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે, પોતાની દીકરી ગુમાવનાર પિતાએ ન્યાયની આશા એ પોલીસમાં ફરિયાદ કરી હતી પરંતુ પોલીસે ફરિયાદ દાખલ કરી ન હતી. જેથી અંતે પિતાએ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને રજૂઆત કરતાં ગૃહમંત્રીના આદેશના પગલે પોલીસે પતિ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[breaking-news]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here