- રીએક્ટરનું ઢાંકણ ખોલતા સ્પાર્ક થતા ગંભીર રીતે દાઝી ગયેલા 3 કામદારો સારવાર હેઠળ
અંકલેશ્વર GIDC સ્થીત અભિલાષા ફાર્મા કંપનીમાં રિએક્ટરનું ઢાંકણ ખોલતી વેળા સ્પાર્ક થતાં 5 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. દાઝી ગયેલા કામદારોને તાબડતોબ ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા 2 કામદારો ટૂંકી સારવાર બાદ મોતને ભેટ્યા હતા. જ્યારે 3 કામદારની હાલ સારવાર ચાલી રહી છે.
અંકલેશ્વર જીઆઇડીસીની કંપનીમાં રાત્રી કામગીરી દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં 5 કામદારો ગંભીર રીતે દાઝી ગયા બાદ બે કામદારના મોત થવાની ઘટના સામે આવી છે.અંકલેશ્વર GIDC માં આવેલી અભિલાષા ફાર્મા કંપનીમાં શુક્રવારે મધરાતે ગોપાલ સુદામ, સુંદરસિંહ ઇન્દ્રવન સિંગ, રઘુનાથ બુધી સંકેત, હરિઓમ ઉપાધ્યાય, રામદિન મંડલ રિએક્ટરમાં આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ નાખી નજીકમાં કામ કરી રહ્યા હતા.
ત્યારેરીએક્ટરનું ઢાંકણ ખોલતા ઘટના સર્જાઈ હતી. ઢાકણ ખોલતા જ રિએક્ટરમાં સ્પાર્ક થતાં બ્લાસ્ટ થયો હતો. જેને પગલે નજીકમાં કામ કરી રહેલા 5 કામદારો દાઝી જતાં દોડધામ મચી જવા પામી હતી. કંપની સત્તાધીશોએ દાઝી ગયેલા તમામ કામદારોને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા.
આ ઘટનામાં ટૂંકી સારવાર બાદ મૂળ મધ્ય પ્રદેશનો અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલી મોઘમણી ચોકડી સ્થિત યોગી એંજિનિયરિંગ પાસેના ભાડાના રૂમમાં રહેતો 22 વર્ષીય સુંદરસિંગ ઇન્દ્રસિંગ અને હરિઓમ ઉપાધ્યાયનું કરૂણ મોત નીપજયું હતું. જ્યારે અન્ય ત્રણ કામદારો હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જી.આઇ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.