રમતગમતને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે આમોદ સ્થિત શબનમ સ્પોર્ટ ક્લબના મહેબૂબ કાકૂજી દ્વારા ગત રાત્રે ચામડિયા હાઈસ્કૂલના વિશાળ પટાંગણમાં એક ભવ્ય ઇન્વિટેશન વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૪૦ વર્ષથી કાર્યરત આ ક્લબ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં ૮ જેટલી પસંદગીની ટીમોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું.

આ રમતોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી, ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, આમોદ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્ર દેસાઈ, ઉપપ્રમુખ સાજીદઅલી રાણા, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ (કાજી) તેમજ આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ સહિતના આગેવાનોએ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત મોટી સંખ્યામાં રમતપ્રેમી જનતા પણ મેચ નિહાળવા ઉમટી પડી હતી.
રોમાંચક મુકાબલા બાદ ડાંગની ટીમ બની ચેમ્પિયન

તમામ ટીમો વચ્ચે અત્યંત ખેલદિલીપૂર્વક અને રોમાંચક મુકાબલા ખેલાયા હતા. અંતિમ અને નિર્ણાયક મેચમાં ડાંગના જાદવભાઈની ટીમે શાનદાર પ્રદર્શન કરતા બંટીભાઈની ટીમને પરાજય આપી ટુર્નામેન્ટમાં ભવ્ય વિજય હાંસલ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, શબનમ સ્પોર્ટ ક્લબ છેલ્લા ચાર દાયકાથી આમોદ અને આસપાસના વિસ્તારોમાં રમતગમતની પ્રવૃત્તિઓને સતત વેગ આપી રહી છે. ક્લબના આ પ્રયાસો થકી સ્થાનિક યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ અને પ્રોત્સાહન મળી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here