ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા ઇસ્કોન મંદિરના કટ પાસે ગત રાત્રિના અરસામાં પૂરપાટ ઝડપે આવતી બાઈક અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં એક્ટિવા ચાલક અને બાઈક ચાલક એમ કુલ બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હાલ સારવાર હેઠળ છે.

મળતી માહિતી મુજબ, ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે રહેતા નંદલાલભાઈ બાબુભાઈ પટેલ ગત રાત્રિના સમયે પોતાની એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ઇસ્કોન મંદિરના કટ પાસે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક બાઈક ચાલકે નંદલાલભાઈની એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને વાહનો પર સવાર લોકો ફંગોળાઈને રોડ પર પટકાયા હતા.
આ અકસ્માતમાં ગોવાલી ગામના એક્ટિવા ચાલક નંદલાલભાઈ પટેલને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બીજી તરફ, બાઈક પર સવાર નાનાસાંજા ગામના ચાલક અભિ સંતોષભાઈ વસાવા અને તેમની સાથે રહેલા કમલેશભાઈ સુરેશભાઈ વસાવાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.
બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અભિ સંતોષભાઈ વસાવાની હાલત વધુ નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે સુરત ખાતે રીફર કરવામાં આવ્યા હતા, પરંતુ સુરત ખાતે સારવાર દરમિયાન અભિ વસાવાએ પણ દમ તોડ્યો હતો. હાલ કમલેશભાઈ વસાવા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અકસ્માતની જાણ થતા જ ઝઘડિયા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક નંદલાલભાઈ પટેલના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ઝઘડિયા પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.






