ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને કારતક સુદ આઠમ એટલે કે ‘ગોપાષ્ટમી’ના પવિત્ર પર્વનો વિશેષ મહિમા રહેલો છે. આ પાવન અવસરે ભરૂચ શહેરની જીવદયા પ્રેમી સંસ્થા ભરૂચ પાંજરાપોળ દ્વારા આગામી તારીખ ૧૭/૧૧/૨૦૨૬, મંગળવારના રોજ સવારે ૯:૩૦ કલાકે ‘ગોપાષ્ટમી’ મહોત્સવની ભક્તિભાવપૂર્વક અને અનોખી રીતે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વિશેષ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમ અંતર્ગત ભરૂચ પાંજરાપોળના પ્રાંગણમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ગૌપૂજન, ગૌ સેવા અને ગૌ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ તેની અનોખી પરંપરા રહેશે, જેમાં પાંજરાપોળ ખાતે નિર્મિત ગોવર્ધન પર્વતની આજુબાજુ ગૌમાતા તેમજ નાના વાછરડા અને વાછરડીઓને ભાવપૂર્વક પ્રદક્ષિણા કરાવવામાં આવશે.
હિન્દુ ધર્મની માન્યતા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણએ ગોપાષ્ટમીના દિવસે પ્રથમ વખત ગાયો ચરાવવાની શરૂઆત કરી હતી, ત્યારથી આ દિવસને ગૌપૂજન અને ગૌ સંવર્ધનના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે ગૌમાતાને પૌષ્ટિક આહાર, લીલો ઘાસચારો અને લાડુ ખવડાવીને જીવદયા પ્રત્યે જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભરૂચ પાંજરાપોળના સંચાલક મહેન્દ્ર કંસારા અને ટ્રસ્ટી બિપીનભાઈ ભટ્ટ સહિતના હોદ્દેદારો જહેમત ઉઠાવી રહ્યા છે. સંસ્થા દ્વારા શહેરની તમામ ધર્મપ્રેમી અને જીવદયા પ્રેમી જનતાને આ પવિત્ર પ્રસંગે પરિવાર સહિત ઉપસ્થિત રહી ગૌપૂજન અને ગૌ દર્શનનો ધર્મલાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here