ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે શુક્રવારે ભરૂચના ઝાડેશ્વર સ્થિત પટેલ પંચની વાડી ખાતે ભવ્ય ‘યુવા સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને ‘રાષ્ટ્રસેવાનું પ્રતિબિંબ’ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમના મુખ્ય વક્તા અને આદિજાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ સુકિર્તિ તડવીએ ઉપસ્થિત યુવાનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે ભગવાન બિરસા મુંડાના જીવન, તેમના ઐતિહાસિક સંઘર્ષ અને ઉચ્ચ આદર્શોમાંથી પ્રેરણા લેવા યુવા પેઢીને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બિરસા મુંડાના વિચારો યુવાનો સુધી પહોંચે અને આજની યુવા પેઢી શિક્ષિત તેમજ સશક્ત બનીને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવે, તે જ આ યુવા સંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

સુકિર્તિ તડવીએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2021થી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાની શરૂઆત કરાવી છે, જેનાથી આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ અને વારસાને રાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યું છે. આ ઉપલક્ષમાં રાજ્ય સરકાર દ્વારા 12થી 18 નવેમ્બર દરમિયાન ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સપ્તાહ દરમિયાન રાજ્યભરમાં નીચે મુજબના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે:
• યુવા સભા અને મહિલા સભા
• પ્રબુદ્ધ નાગરિક સભા
• પરંપરાગત રમતોત્સવ
• પંચાયત દીઠ આરતી અને સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રતિમાઓની સફાઈ
આ પ્રસંગે ભાજપના ઉપપ્રમુખ નિરલ પટેલ, ફાલ્ગુની પટેલ, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, સંગઠનના પદાધિકારીઓ તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સમાપન બાદ ઉપસ્થિત સૌ કોઈ માટે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here