આદિવાસી સમાજના મહાન નાયક ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે આગામી ૧૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં એક જ દિવસે બે મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એક જ દિવસે અને નજીકના સ્થળોએ યોજાનારા આ બંને કાર્યક્રમોને લઈને સમગ્ર પંથકમાં અત્યારથી જ ચર્ચાએ જોર પકડ્યું છે.
એક તરફ બિનરાજકીય રોડ શોની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ સરકારી સ્તરે ઉજવણી થવાની હોવાથી ડેડીયાપાડામાં કોના કાર્યક્રમમાં વધુ જનમેદની ઉમટશે તેના પર સૌની નજર ટકેલી છે.
ડેડીયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે ‘બિરસા મુંડા જન્મજયંતી ઉજવણી સમિતિ, ડેડીયાપાડા’ દ્વારા સવારે ૧૧:૦૦ કલાકથી એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા આ બિનરાજકીય કાર્યક્રમમાં આદિવાસી સમાજના લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નર્મદા જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાંથી પણ વિશાળ જનમેદની ઉમટી પડવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
સ્થાનિક ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થકો અને ચાહકો પણ આ રોડ શોમાં મોટી સંખ્યામાં જોડાશે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ રોડ શોમાં આવનારા ડીજે અને બેન્ડની તૈયારીઓના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે.
બીજી તરફ, ડેડીયાપાડામાં જ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની સામે આવેલા જંગલ મંડળીના મેદાન ખાતે સવારે ૧૦:૦૦ કલાકથી સરકારી ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સરકારી કાર્યક્રમ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા અને પૂર્વ સાંસદ ભરતભાઈ પરમારની અધ્યક્ષતામાં યોજાવાનો છે.
એક જ દિવસે ડેડીયાપાડામાં બે અલગ-અલગ સ્થળોએ મોટા આયોજનો થતાં હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે કયા કાર્યક્રમમાં કેટલી જનમેદની ઉમટશે. એક તરફ રોડ શોમાં ડીજે, બેન્ડ અને વિશાળ જનસમર્થનની તૈયારીઓ દેખાઈ રહી છે, તો બીજી તરફ સરકારી કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં લોકોને જોડવાની જવાબદારી તંત્ર સામે રહેશે.
એક જ દિવસે નજીકના સ્થળોએ બે મોટા કાર્યક્રમો હોવાથી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે વ્યવસ્થાઓ જાળવવી અને જનભાગીદારી સુનિશ્ચિત કરવી પડકારરૂપ બની શકે છે. હાલ ડેડીયાપાડામાં રોડ શોની ભવ્યતા અને સરકારી ઉજવણીની પ્રતિષ્ઠા વચ્ચે ૧૫ નવેમ્બરે કોના આંગણે વધુ ભીડ એકઠી થાય છે તે જોવું રસપ્રદ રહેશે.






