આદિવાસી સમાજના મહાન નાયક અને ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને ભરૂચ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો અને નાગરિકો જોડાયા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ પ્રતિમા સમક્ષ આરતી ઉતારી તેમના મહાન કાર્યોને વંદન કરવામાં આવ્યા હતા.

આ અવસરે ઉપસ્થિત સૌ કોઈએ આદિવાસી સમાજના હક, અધિકારો અને જળ-જંગલ-જમીનની રક્ષા માટે બિરસા મુંડાએ કરેલા ઐતિહાસિક સંઘર્ષ અને બલિદાનને યાદ કર્યા હતા. આ ઉપરાંત, દેશની આઝાદીની લડતમાં તેમના અમૂલ્ય યોગદાનને પણ બિરદાવવામાં આવ્યું હતું. વક્તાઓએ તેમના જીવન અને આદર્શો પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાના ક્રાંતિકારી વિચારો અને દેશભક્તિની ભાવના નવી પેઢી સુધી પહોંચાડવી એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે.

આ ગરિમામય કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પ્રાંત અધિકારી મનીષાબેન માનાણી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, મહામંત્રી જીગ્નેશભાઈ મિસ્ત્રી, દિવ્યેશભાઈ પટેલ અને નિરલભાઈ પટેલ સહિત સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here