આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ એક વીડિયો સંદેશ જાહેર કરીને રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર પર આદિવાસી સમાજના મુદ્દે આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે આદિવાસી ન્યાય યાત્રાને મળેલા પ્રચંડ જનસમર્થનથી ભાજપ સરકાર ગભરાઈ ગઈ છે અને તેથી જ હવે 500થી વધુ સ્થળોએ બિરસા મુંડા જયંતીની ઉજવણી કરવાનું આયોજન કરી રહી છે.

નિરંજન વસાવાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, AAPના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાના સમર્થનમાં ઉમરગામથી અંબાજી સુધી ‘આદિવાસી ન્યાય યાત્રા’ યોજવામાં આવી હતી, જેને ગામેગામથી હજારો લોકોનું સમર્થન મળ્યું હતું. ત્યારબાદ ગાંધીનગર ખાતે યોજાયેલી વિશાળ જનસભામાં ઉમટેલી જનમેદની જોઈને વડાપ્રધાન, મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ હોવાનો દાવો તેમણે કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, આ જ કારણે સરકાર હવે 151મી બિરસા મુંડા જયંતી નિમિત્તે 500થી વધુ જગ્યાએ ઉજવણીના તાયફા કરી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી 450 જમીનની સનદો અંગે પ્રતિક્રિયા આપતા AAP નેતાએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં 30 વર્ષથી અને કેન્દ્રમાં 12 વર્ષથી ભાજપની સરકાર છે, પરંતુ હવે 2027ની વિધાનસભા ચૂંટણી નજીક આવતા તેમને આદિવાસી સમાજની યાદ આવી રહી છે.” તેમણે માંગ કરી હતી કે આદિવાસી ખેડૂતોને માત્ર કાગળ પર સનદ આપીને ભોળવવાને બદલે સનદમાં ખાતેદારનું નામ દાખલ થવું જોઈએ અને તેમને ખાતર તથા બિયારણના સરકારી લાભો પણ મળવા જોઈએ. હજુ પણ હજારોની સંખ્યામાં સનદના દાવાઓ પેન્ડિંગ છે, જેનો તાત્કાલિક નિકાલ લાવવા તેમણે રજૂઆત કરી હતી.

નિરંજન વસાવાએ આક્ષેપ કર્યો હતો કે આદિવાસી ખેડૂતોના હક માટે લડતા ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે, તેમને તાત્કાલિક જેલમુક્ત કરીને ન્યાય આપવો જોઈએ. આ ઉપરાંત, આદિવાસી વિસ્તારોની જમીન બચાવવા માટે વર્ષો જૂની માંગણી મુજબ ‘પેસા એક્ટ’ (PESA Act) તાત્કાલિક લાગુ કરવા અને ફોરેસ્ટ વિભાગ તથા પોલીસ દ્વારા આદિવાસી લોકો પર થતા કથિત દમન અને ખોટા કેસો બંધ કરવા તેમણે માંગ કરી હતી. અંતમાં તેમણે ઉમેર્યું હતું કે, આ તો હજુ માત્ર પાંચ ટકા જીત છે, પરંતુ સમાજને સંપૂર્ણ ન્યાય ન મળે ત્યાં સુધી સો ટકા જીત માટે આ લડત ચાલુ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here