ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં રખડતાં પશુઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. આમોદ નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં જ એક રખડતી ગાયે બે માસૂમ બાળકોને અડફેટે લઈ ભેટી મારતાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સ્થાનિકોની સમયસૂચકતાને કારણે બંને બાળકોનો આબાદ બચાવ થયો હતો.

ઘટનાની મળતી વિગતો અનુસાર, આમોદ નગરપાલિકા પ્રમુખના વિસ્તારમાં બે બાળકો પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક રખડતી ગાયે તેમને અડફેટે લીધા હતા અને ભેટી મારી હતી. ગાયના હુમલાથી ગભરાયેલા બાળકોએ બચાવો-બચાવોની ચીસો પાડતાં આસપાસના રહીશો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ ગાયને ભગાડી બંને બાળકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. આ ઘટનામાં બંને બાળકોને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં નગરપાલિકાના તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આમોદના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં રખડતાં પશુઓનો જમાવડો રહે છે. થોડા સમય અગાઉ નગરપાલિકા દ્વારા પશુ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે માત્ર એક દિવસ પૂરતી જ સીમિત રહી હતી અને બીજા જ દિવસે પશુઓ ફરી રસ્તા પર રખડતા જોવા મળ્યા હતા.

રહીશોના જણાવ્યા મુજબ, રખડતાં પશુઓ ઉપરાંત શહેરમાં રખડતા શ્વાનની સમસ્યા પણ ગંભીર બની રહી છે, જેના કારણે નાના બાળકો અને વૃદ્ધોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આ સમસ્યાઓ અંગે નગરપાલિકાના મુખ્ય અધિકારી (ચીફ ઓફિસર) અને પ્રમુખ સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર તરફથી કોઈ સંતોષકારક જવાબ કે નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.

હાલ સ્થાનિકોએ માંગ કરી છે કે નગરપાલિકા તંત્ર માત્ર દેખાડા પૂરતી કામગીરી કરવાને બદલે રખડતાં પશુઓ અને શ્વાનના ત્રાસમાંથી કાયમી છુટકારો અપાવવા માટે યોગ્ય આયોજન કરે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here