ભરૂચ તાલુકાના નિકોરા ગામના ભાઠા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી દેખાઈ રહેલા દીપડાને વન વિભાગે સફળતાપૂર્વક પાંજરે પૂરી દીધો છે. દીપડો પકડાઈ જતાં સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ફેલાયેલો ડર દૂર થયો છે અને સમગ્ર પંથકમાં રાહતની લાગણી પ્રસરી છે.

નિકોરા ગામની સીમ અને ભાઠા વિસ્તારમાં દીપડાની અવરજવરને કારણે સ્થાનિક રહીશો અને ખેતમજૂરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. રાત્રિના સમયે ખેતરમાં પાણી વાળવા જતા ખેડૂતો જીવના જોખમે કામ કરવા મજબૂર બન્યા હતા. ગ્રામજનો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
ગ્રામજનોની રજૂઆતને પગલે વન વિભાગની ટીમે તાત્કાલિક અસરથી ભાઠા વિસ્તારમાં દીપડાના પગના નિશાન તપાસીને મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું.શિકારની શોધમાં આવેલો દીપડો વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં આબાદ રીતે ફસાઈ ગયો હતો.
દીપડો પાંજરે પુરાયાની જાણ થતાં જ વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને દીપડાનો કબજો મેળવી તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી.
દીપડો પકડાયાના સમાચાર વાયુવેગે ગામમાં પ્રસરતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. વન વિભાગની ત્વરિત અને સફળ કામગીરી બદલ ગ્રામજનોએ તંત્રનો આભાર માન્યો હતો અને હવે નિર્ભયપણે ખેતીકામ કરી શકશે તેવો હાશકારો અનુભવ્યો હતો.






