ભરૂચના ભોલવ જી.આઈ.ડી.સી. ફેઝ-૧ વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. આ અંગે મળતી માહિતી અનુસાર, ગત રાત્રે ૧૨:૧૨ કલાકે ભોલવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ દ્વારા નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હિરેનભાઈ શાહને ફોન પર દીપડો દેખાયો હોવાનો ઈમરજન્સી કોલ કરવામાં આવ્યો હતો.

દીપડો દેખાયો હોવાનો કોલ મળતાની સાથે જ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના હિરેનભાઈ શાહ, વ્રજ શાહ, રિતેશ ગાયકવાડ અને તેઓની આખી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. રાત્રિના સમયે ટીમે સમગ્ર વિસ્તારમાં પ્રાથમિક ચકાસણી હાથ ધરી હતી.

સીસીટીવી ફૂટેજમાં દીપડો હોવાની પુષ્ટિ થઈ
આજે વહેલી સવારે ટ્રસ્ટની ટીમ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ કલેક્ટ કરવામાં આવ્યા હતા. આ ફૂટેજની બારીકાઈથી તપાસ કરતા તેમાં દીપડાની હિલચાલ સ્પષ્ટપણે જોવા મળી હતી, જેના આધારે ત્યાં દીપડો જ હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ હતી.

વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવાની તજવીજ
દીપડો હોવાનું નિશ્ચિત થતાં જ હિરેનભાઈ શાહ દ્વારા તાત્કાલિક વન વિભાગના ઉચ્ચ અધિકારીને આ અંગે લેખિત અને મૌખિક જાણ કરવામાં આવી હતી. વન વિભાગે ઘટનાની ગંભીરતા સમજીને દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માટેની કાયદેસરની તજવીજ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જી.આઈ.ડી.સી. જેવા ધમધમતા વિસ્તારમાં દીપડો આવી ચઢતાં સ્થાનિક રહીશો અને ફેક્ટરીના કર્મચારીઓને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here