હવામાન વિભાગના આજના સત્તાવાર આંકડા મુજબ ભરૂચ જિલ્લામાં મહત્તમ તાપમાન 37 પર પહોંચી ગયું છે, જ્યારે લઘુત્તમ તાપમાન 23 નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી નાગરિકોને વાસ્તવિક તાપમાન કરતાં પણ વધુ, એટલે કે 36થી 38 જેવી અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
હાલમાં ભરૂચવાસીઓ ડબલ ઋતુનો સામનો કરી રહ્યા છે. વહેલી સવારે વાતાવરણમાં હળવી ઠંડકનો અહેસાસ થાય છે. સૂર્યોદય થતાંની સાથે જ આકાશમાંથી અગનગોળા વરસવા શરૂ થઈ જાય છે. બપોરના સમયે આકરા તડકા અને ઉકળાટને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
વાતાવરણમાં થઈ રહેલા અચાનક બદલાવ અને મિશ્ર ઋતુને કારણે સ્થાનિક હોસ્પિટલોમાં શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન તેમજ તાવના કેસોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.
આગામી દિવસોમાં દિવસ દરમિયાન સરેરાશ તાપમાન 36થી 37ની આસપાસ જ જળવાઈ રહેશે. બપોરના સમયે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને ગરમીથી બચવા માટે વધુ પ્રમાણમાં પ્રવાહીનો ઉપયોગ કરવાની સલાહ તબીબો દ્વારા આપવામાં આવી રહી છે.





