વિદેશ જવાની ઘેલછાનો લાભ ઉઠાવી છેતરપિંડી કરતી ટોળકીઓ સામે પોલીસ લાલઆંખ કરી રહી છે, ત્યારે ભરૂચમાં વધુ એક વિઝા કૌભાંડ સામે આવ્યું છે. ઇઝરાયલના વર્ક વિઝા અને નોકરી અપાવવાની લાલચ આપી અમદાવાદની બે મહિલાઓ પાસેથી કુલ રૂ. 6.15 લાખ પડાવી લેનાર ભરૂચના એક જ પરિવારના ત્રણ સભ્યો વિરુદ્ધ ભરૂચ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ ફરિયાદ મુજબ, અમદાવાદના બાકરોલ વિસ્તારમાં રહેતા જ્યોત્સનાબેન ક્રિશ્ચિયન આશરે દોઢ વર્ષ અગાઉ મણિનગર ખાતે સમાજના એક સંમેલનમાં ગયા હતા. અહીં એક મહિલા મારફતે તેમનો પરિચય ભરૂચની નારાયણનગર-3 સોસાયટીમાં રહેતા આશિષ મેકવાન સાથે થયો હતો. આશિષે જ્યોત્સનાબેનની પુત્રી પ્રિન્સીને ઇઝરાયલ મોકલી ત્યાં સારી નોકરી અપાવવાની ખાતરી આપી હતી. આ સમગ્ર પ્રક્રિયા માટે કુલ રૂ. 25 લાખનો ખર્ચ થશે તેમ જણાવી શરૂઆતમાં રૂ. 5 લાખ ચૂકવવા કહ્યું હતું.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત તા. 21 ફેબ્રુઆરી, 2026ના રોજ જ્યોત્સનાબેન અને તેમનો પરિવાર ભરૂચ આવ્યો હતો. તે સમયે આશિષે પોતે મુંબઈ હોવાનું જણાવી તેના માતા-પિતા રાજેશકુમાર અને સ્ટેલાબેનને ચેક આપવા કહ્યું હતું. આશિષના માતા-પિતાએ અગાઉ અન્ય લોકોને ઇઝરાયલ મોકલ્યા હોવાના દસ્તાવેજો બતાવી પરિવારનો વિશ્વાસ જીત્યો હતો, જેથી તેમને રૂ. 2 લાખનો ચેક અપાયો હતો. ત્યારબાદ તા. 22 એપ્રિલના રોજ વધુ રૂ. 3 લાખનો ચેક આશિષના પિતાને આપવામાં આવ્યો હતો. વિશ્વાસ જળવાઈ રહે તે માટે આશિષ અને પ્રિન્સી વચ્ચે વર્ક વિઝા અંગેનો નોટરાઇઝ્ડ કરાર પણ કરવામાં આવ્યો હતો. આ જ સમયે અન્ય એક મહિલા ભાવનાબેન મકવાણાએ પણ ઇઝરાયલના વિઝા માટે રૂ. 1.15 લાખ રોકડા ચૂકવ્યા હતા.

લાંબા સમય સુધી વિઝાની પ્રક્રિયા આગળ ન વધતા ફરિયાદી પરિવારને શંકા ગઈ હતી. દરમિયાન, તા. 20 મેના રોજ અખબારમાં આશિષના પિતા રાજેશકુમારની એક જાહેર નોટિસ પ્રસિદ્ધ થઈ હતી, જેમાં તેમણે પોતાના પુત્ર આશિષ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હોવાનું જાહેર કર્યું હતું. આ ઘટના બાદ આશિષનો મોબાઇલ ફોન બંધ આવવા લાગ્યો હતો અને તેના માતા-પિતાએ પણ પુત્ર સાથે કોઈ સંપર્ક ન હોવાનું રટણ શરૂ કર્યું હતું.

પોતાની સાથે પૂર્વઆયોજિત કાવતરું રચી છેતરપિંડી થઈ હોવાનું જણાતા જ્યોત્સનાબેને ભરૂચ એ-ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. પોલીસે મુખ્ય આરોપી આશિષ મેકવાન, તેના પિતા રાજેશકુમાર મેકવાન અને માતા સ્ટેલાબેન મેકવાન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 318(4) અને 61(2)(એ) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here