ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ જેવા જાહેર સ્થળે ફોર વ્હીલર કાર સાથે જોખમી સ્ટંટ કરી લોકોના જીવ જોખમમાં મૂકનાર શખ્સને ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. ગત 22 નવેમ્બર, 2026ના રોજ કરવામાં આવેલા સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જાહેર સ્થળે આ પ્રકારે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાથી અન્ય નાગરિકોની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. માંગરોળિયાએ વાયરલ વીડિયો અંગે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેના પગલે પોલીસની સર્વેલન્સ ટીમે માનવ બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સ્ટંટ કરનાર શખ્સની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી.
પોલીસે તપાસના અંતે કાર સાથે જોખમી સ્ટંટ કરનાર અંકલેશ્વરના મોતાલી ગામમાં સિદ્ધેશ્વરી રેસિડેન્સીમાં રહેતા બ્રજમાનસિંહ મુકેશસિંહ સિકરવારને ઝડપી પાડ્યો હતો અને કાર પણ જપ્ત કરી હતી. આ મામલે ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 281 મુજબ ગુનો નોંધી આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






