ભરૂચ શહેરના શાલીમાર ત્રણ રસ્તા સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર શોપિંગ સેન્ટરમાં ‘P.P. SPA HEALTH AND CARE THERAPY’ ની આડમાં ચાલતા ગેરકાયદેસર દેહવ્યાપારનો એ-ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે મેનેજર સહિત ત્રણ મહિલાઓને ઝડપી પાડી છે, જ્યારે સ્પાની મુખ્ય માલિક અફ્રોઝ શેખ ફરાર થઈ ગઈ છે.

ડમી ગ્રાહક મોકલીને ગોઠવ્યું છટકું
થોડા દિવસો પહેલાં આ શોપિંગ સેન્ટરના ધાબા પરથી દારૂની બોટલો, નશાના ઇન્જેક્શન અને વપરાયેલા કોન્ડમના વીડિયો વાયરલ થયા હતા. જેના પગલે સતર્ક બનેલી પોલીસે ચોક્કસ બાતમીના આધારે ડમી ગ્રાહકને રૂ. 3,000 (500ના દરની 6 નોટ) આપી સ્પામાં મોકલ્યો હતો. ગ્રાહકનો મિસકોલ મળતા જ પોલીસે દરોડો પાડી કાઉન્ટર પરથી મેનેજર સીમાબાનુ શેખ (ઉં.વ. 23) અને રૂમમાંથી માનસી સૈની (ઉં.વ. 23) તથા સરવરજહા ખાન (ઉં.વ. 36) ને ઝડપી લીધી હતી. સ્થળ પરથી રૂ. 3,000 રોકડા અને કોન્ડમ કબજે કરાયા છે.
પોલીસ નિવેદન અને સમાજમાં આક્રોશ
એ-ડિવિઝન પી.આઈ. કે.ડી. માંગરોળિયાએ જણાવ્યું કે, અગાઉ પણ આ જ સ્પામાંથી કુટણખાનું ઝડપાયું હતું. હાલ ત્રણ મહિલાઓની ધરપકડ કરી ફરાર માલિકને વોન્ટેડ જાહેર કરાઈ છે.
બીજી તરફ, ભારત રત્ન ડૉ. આંબેડકરના નામથી નગરપાલિકાએ બનાવેલું આ શોપિંગ સેન્ટર બિલ્ડરને પધરાવી દેવાતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું હબ બન્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે. 21 દુકાનોની મંજૂરી સામે પાર્કિંગમાં પણ ગેરકાયદે બાંધકામ કરાયું હોવાની ચર્ચા છે. આ ઘટનાથી અનુસૂચિત સમાજની લાગણી દુભાતા, આગામી સમયમાં પાલિકા અને બિલ્ડર સામે ઉગ્ર આંદોલન કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાની તૈયારીઓ શરૂ થઈ છે.





