સાગબારા–ઉમરપાડા જંગલ જમીન વિવાદ હવે વધુ ગંભીર વળાંક લેતો જોવા મળી રહ્યો છે. સાગબારાના ખેડૂતો દ્વારા વન વિભાગ સામે એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઉમરપાડા વિસ્તારના કેટલાક આદિવાસી ખેડૂતોને સાગબારાના ખેડૂતો વિરુદ્ધ નિવેદનો આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
સાગબારાના ખેડૂતોના જણાવ્યા મુજબ, ઉમરપાડા તાલુકાના કેટલાક ખેડૂતો ઘાસચારો લેવા માટે વિસ્તારમાં આવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે થયેલી વાતચીતમાં તેમણે પોતાની આદિવાસી બોલીમાં વન વિભાગ દ્વારા વીડિયો ઉતારવા અને સાગબારાના ખેડૂતો વિરુદ્ધ બોલાવવા અંગે વાત કરી હોવાનું ખેડૂતોનું કહેવું છે.
આ સમગ્ર વાતચીતનો વીડિયો સામે આવ્યો હોવાનો સાગબારાના ખેડૂતો દાવો કરી રહ્યા છે. જોકે, વીડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી અને તેમાં કરવામાં આવેલા દાવાઓની સત્તાવાર ચકાસણી પણ બાકી છે.

ખેડૂતોનો આક્ષેપ છે કે જંગલ જમીનના વિવાદને ઉકેલવાને બદલે જો આદિવાસી ખેડૂતોને જ એકબીજાની સામે ઊભા કરવામાં આવશે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે.
સાગબારાના ખેડૂતોનું કહેવું છે કે “આ લડાઈ સાગબારા વિરુદ્ધ ઉમરપાડાની નથી; આદિવાસી ખેડૂતોના હક અને જમીનના પ્રશ્નની છે.” બંને વિસ્તારના ખેડૂતો વચ્ચે વર્ષોથી સામાજિક અને ખેતી આધારિત સંબંધો રહ્યા છે ત્યારે કોઈપણ પ્રકારના દબાણ કે ભડકાવાથી આદિવાસી સમાજમાં આંતરિક વિખવાદ ઊભો થાય તે ગંભીર બાબત છે.
ખેડૂતો દ્વારા હવે માંગ કરવામાં આવી રહી છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, વીડિયોની સત્યતા તપાસવામાં આવે અને જો કોઈ ખેડૂત પર નિવેદન આપવા માટે દબાણ કરવામાં આવ્યું હોય તો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે.
જંગલ જમીનનો પ્રશ્ન પહેલેથી જ સંવેદનશીલ છે ત્યારે સરકારે ખેડૂતોને સામસામે ઊભા કરવાને બદલે વાસ્તવિક હકદાર ખેડૂતોના પ્રશ્નનો કાયદેસર અને પારદર્શક ઉકેલ લાવવો જોઈએ, તેવી માંગ ઉઠી રહી છે.
હવે જોવામાં આવશે કે ખેડૂતોના આ ગંભીર આક્ષેપ અંગે વન વિભાગ અને જિલ્લા તંત્ર શું સ્પષ્ટતા કરે છે અને સામે આવેલા વીડિયોની સત્તાવાર તપાસ ક્યારે થાય છે.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડીયાપાડા





