ભરૂચ શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા કોલેજ રોડ પર ટ્રાફિકના નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવતો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક ઓટોરિક્ષા ચાલક મુસાફરોના જીવ જોખમમાં મૂકીને બેફામ રીતે રિક્ષા હંકારતો નજરે પડે છે.


મળતી માહિતી મુજબ, કોલેજ રોડ પરથી પસાર થઈ રહેલી એક રિક્ષામાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા હતા. ચોંકાવનારી બાબત એ હતી કે એક મુસાફર રિક્ષાની અંદર બેસવાના બદલે રિક્ષાની પાછળના ભાગે જોખમી રીતે લટકીને મુસાફરી કરી રહ્યો હતો. આ વ્યક્તિ નીચે પટકાય નહીં તે માટે રિક્ષાની અંદર બેઠેલા અન્ય એક મુસાફરે તેને પાછળથી પકડી રાખ્યો હતો. ચાલુ વાહને આ પ્રકારના જીવલેણ સ્ટંટ જેવા દ્રશ્યો જોઈને રાહદારીઓ અને અન્ય વાહનચાલકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

આ સમગ્ર ઘટના પાછળ આવી રહેલા કોઈ જાગૃત નાગરિકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી, જે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કોલેજ રોડ પર વિદ્યાર્થીઓ અને નાગરિકોની સતત અવરજવર રહેતી હોય છે, ત્યારે જો અચાનક બ્રેક વાગે કે રિક્ષાનું સંતુલન બગડે તો મોટી જાનહાનિ થવાની પૂરી શક્યતા હતી.

આ વાયરલ વીડિયો બાદ શહેરમાં મુસાફરોની સુરક્ષા અને ટ્રાફિક નિયમન સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ચંદ રૂપિયાની લાલચમાં મુસાફરોના જીવ જોખમમાં મૂકતા આવા બેજવાબદાર રિક્ષાચાલકો સામે ભરૂચ ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું. જો કોઈ અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ રહેશે તેવો સવાલ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here