કારતક સુદ પૂનમ અને દેવ દિવાળીના પવિત્ર અવસરે ભરૂચના ઝાડેશ્વર સ્થિત સુપ્રસિદ્ધ વિશ્વ ગાયત્રી મંદિર ‘અલખધામ’ ખાતે મા નર્મદાજીની ભવ્ય સંધ્યા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પાવન પ્રસંગે ગાયત્રી મંદિર અલખધામના પરમ પૂજ્ય મહંતમાતા શ્રી શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી મા શિવાનંદગીરીજી મહારાજની વિશેષ અને પાવન ઉપસ્થિતિ રહી હતી. તેમના સાનિધ્યમાં વૈદિક મંત્રોચ્ચાર, શંખનાદ અને ઝાલરના ગુંજારવ સાથે મા નર્મદાની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી. દેવ દિવાળી નિમિત્તે સમગ્ર મંદિર પરિસર અને નર્મદા તટને દીવડાઓ અને રોશનીથી શણગારવામાં આવતા અત્યંત નયનરમ્ય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું.

આ ભક્તિમય માહોલમાં ભરૂચ અને આસપાસના વિસ્તારોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા. ભક્તોએ હાથમાં દીવડા લઈને મા નર્મદાજીની મહાઆરતીનો લ્હાવો લીધો હતો અને સમગ્ર વાતાવરણ ‘નર્મદે હર’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મહાઆરતીના દર્શન અને પૂજન કરી ઉપસ્થિત સૌ ભક્તજનોએ ધન્યતાની લાગણી અનુભવી હતી. કાર્યક્રમના અંતે મહંતમાતા શ્રી શિવાનંદગીરીજીએ સૌ ભક્તોને દેવ દિવાળીની શુભકામનાઓ પાઠવી આશીર્વાદ આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here