ભરૂચ અને વડોદરા જિલ્લા કાનૂની સેવા મંડળ, તાલુકા કાનૂની સેવા સમિતિ અને જિલ્લા વન વિભાગના ઉપક્રમે નેત્રંગ ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિશેષ જાગૃતિ કાર્યક્રમ અને નાલસા યોજનાની શિબિરનું આયોજન કરાયું હતું.
નેત્રંગ વનશ્રી ખાતે યોજાયેલી શિબિરમાં મુખ્ય વક્તા તરીકે વડોદરા DLSA સચિવ ડી.બી. સાવલિયા, ભરૂચ જિલ્લા DLSA સચિવ પી.પી. મોકાશી, વડોદરા એડિશનલ સિનિયર સિવિલ જજ ડી.એમ. સિંઘલ, જજ આર.વી. લીંબચીયા, નેત્રંગ પ્રિન્સિપાલ સિવિલ જજ એચ.આર.ખમલ, હાંસોટ સિવિલ જજ જે.જે. જોશી, નેત્રંગ બાર એસોસિએશનના એસ.જી. પાદરિયા, ભરૂચ RFO એમ.એફ.દિવાન, બી.પી. વસાવા, સી.વી. માછી, એમ.કે. પરમાર, ફોરેસ્ટર જીતુ વસાવા, ગામના સરપંચો, આગેવાનો, PLV સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
જાગૃતિ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય વન અને વન્ય જીવોના સંરક્ષણની સાથે નાલસાની હ્યુમન વાઇલ્ડ લાઇફ કન્ફ્લિક્ટ સ્કીમ 2025 માનવ-વન્યજીવન સંઘર્ષ પીડિતો માટે ન્યાયની પહોંચ અંગે છેવાડાના માનવી સુધી માહિતી પહોંચાડવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન માનવ અને વન્યજીવો વચ્ચે થતા સંઘર્ષને અટકાવવાના ઉપાયો, વન્યજીવ સંરક્ષણ કાયદાઓ અને પીડિતોને મળતી માનવ સહાય તથા કાનૂની સહાય અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લામાં સૌથી વધુ દીપડાના હુમલા થતા હોય અને માનવ વસાહતોમાં આવી ચઢવાના બનવો બનતા હોય તે અંગે વિસ્તારથી માર્ગદર્શન સાથે ચર્ચા કરી ઉપાયો, સલાહ સુચન સાથે વિસ્તારથી સમજણ આપી સહાય અંગે પણ જાગૃતતા ફેલાવાય હતી.
આ પ્રસંગે ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે, પર્યાવરણ અને વન્યજીવોનું જતન કરવું એ સૌની નૈતિક ફરજ છે. પ્રાણી અને માનવ વચ્ચેના ઘર્ષણના કિસ્સામાં જરૂરિયાતમંદ નાગરિકોને કોઈપણ કાનૂની કે માનવ સહાયની જરૂર હોય ત્યારે તેઓ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અથવા તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરી શકે છે.





