નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે મોટરસાયકલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ઓપરેશનમાં પાંચ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીની ૫ હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક (કિંમત રૂ. ૧,૦૦,૦૦૦) અને એક એન્ડ્રોઇડ મોબાઇલ (કિંમત રૂ. ૫,૦૦૦) મળી કુલ રૂ. ૧,૦૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વડોદરા રેન્જ આઈજી સંદીપ સિંઘ, નર્મદા એસપી વિશાખા ડબરાલ અને ડીવાયએસપી આર.બી. દેવધાના માર્ગદર્શન હેઠળ ડેડિયાપાડા પીઆઈ વાય.એસ. શિરસાઠની ટીમ તપાસમાં હતી. દરમિયાન સેલંબાનો રહીમ કરીમ પિંજારી ચોરીની બાઇકો ખરીદી વેચતો હોવાની બાતમી મળી હતી. આ કડીના આધારે પોલીસે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વડગામ સહિતના વિસ્તારોમાંથી દીપક વસાવા, પાયલ વસાવા, સાહુલ વસાવા, નિર્મલ વસાવા અને અમિત વસાવા નામના પાંચ શખ્સોને દબોચી લીધા હતા.
પૂછપરછમાં આરોપીઓએ ચીકદા અને ઉમરપાડા તાલુકાના વિવિધ ગામોમાંથી બાઇક ચોરી કરી સેલંબા ખાતે વેચી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી ફારુક મકરાણીના ઘર નજીકથી વધુ બે ચોરાયેલી બાઇક પણ કબજે કરી છે. આ ગુનામાં ચોરીની બાઇકો ખરીદનાર સેલંબાના રહીમ કરીમ પિંજારી અને ફારૂક યુનુસભાઈ મકરાણીને વોન્ટેડ જાહેર કરાયા છે. ડેડિયાપાડા પોલીસે BNS કલમ ૩૦૩(૨) અને ૫૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






