રાજ્ય સરકારના ‘નો ડ્રગ્સ ઇન ગુજરાત’ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસે નશાના કારોબાર પર સપાટો બોલાવ્યો છે. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ અને અંકલેશ્વર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડૉ. કુશલ ઓઝાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પાનોલી પોલીસે સંજાલી ગામેથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.

પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. રાઠોડની સૂચના મુજબ અનાર્મ હેડ કોન્સ્ટેબલ ખોડુભા નાગજીભા (બ.નં. ૧૧૦૨)ને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, સંજાલી ગામે સકાટા ચોકડી પાસે આવેલી રઘુવીર રેસીડન્સીના મકાન નંબર જી-૫માં રહેતો બિહારીલાલ અયોધ્યાપ્રસાદ પટેલ પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે ગાંજો લાવીને તેનું છુટક વેચાણ કરી રહ્યો છે.

આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રઘુવીર રેસીડન્સી ખાતે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ઘરમાંથી એક થેલામાં વગર પાસ-પરમીટે સંતાડેલો ૨.૦૫૦ કિલોગ્રામ (૨ કિલો ૫૦ ગ્રામ) વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત ₹૧,૦૨,૫૦૦ આંકવામાં આવી છે. પોલીસે ગાંજા ઉપરાંત ₹૧૦,૦૦૦ની કિંમતનો એક મોબાઈલ ફોન અને થેલો મળી કુલ ₹૧,૧૨,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ મામલે પાનોલી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૧૯૯૦૬૦૨૬૦૫૮૮/૨૦૨૬ હેઠળ ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સીસ (NDPS) એક્ટ ૧૯૮૫ની કલમ ૮(c), ૨૦[b{ii(B)}] અને ૨૯ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને વેચવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here