ભરૂચ જિલ્લાના આમોદ વિસ્તારમાં જાહેર માર્ગો પર હેઝાર્ડ વેસ્ટ ઢોળાવાની ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. દહેજ GIDC વિસ્તારમાંથી હેઝાર્ડ વેસ્ટ ભરી નીકળેલી ટ્રકમાંથી આમોદ ડેપો ચાર રસ્તાથી લઈને સરભાણ ત્રણ રસ્તા સુધી જાહેર માર્ગ પર કેમિકલ વેસ્ટ પડ્યાનો ગંભીર મામલો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જાહેર રસ્તા પર ફેલાયેલા વેસ્ટમાંથી તીવ્ર દુર્ગંધ ફેલાતા વાહનચાલકો, રાહદારીઓ અને આસપાસના સ્થાનિકો પરેશાન થયા હોવાનું જાણવા મળે છે.

ઘટનાની જાણ જાગૃત નાગરિકો દ્વારા આમોદ પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રકને અટકાવી ચાલકની પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. સમગ્ર મામલાની ગંભીરતા જોતા પોલીસ દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ GPCBના અધિકારી સ્થળ પર પહોંચ્યા હતા. અને ટ્રકમાં ભરેલા કેમિકલના સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હવે સેમ્પલના લેબોરેટરી ટેસ્ટિંગ રિપોર્ટ બાદ કેમિકલનું સ્વરૂપ, તેની કેટેગરી અને ઘટનામાં જવાબદારી અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.

પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે કે જો રસ્તા પર પડેલું પ્રવાહી ખરેખર હેઝાર્ડ કેટેગરીનું હોય તો માત્ર સેમ્પલ લઈને તપાસ કરવી# પૂરતી છે કે પછી જવાબદારી નક્કી કરી કડક કાયદેસરની કાર્યવાહી પણ થશે? કેમિકલ વેસ્ટ જાહેર માર્ગ પર કેવી રીતે લીક થયું, ટ્રકની સ્થિતિ શું હતી, પરિવહન દરમિયાન જરૂરી સલામતીના નિયમોનું પાલન થયું હતું કે નહીં અને વેસ્ટના પરિવહન માટે જરૂરી મંજૂરી તથા દસ્તાવેજો હતા કે નહીં, આ તમામ મુદ્દાઓની તપાસ થવી જરૂરી બની છે.

સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે છેલ્લા કેટલાક સમયથી દહેજ વિસ્તારથી હેઝાર્ડ વેસ્ટ ભરીને નીકળતા વાહનોમાંથી જાહેર માર્ગો પર તીવ્ર દુર્ગંધવાળો પ્રવાહી પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. એક ઘટના બાદ કાર્યવાહી પૂર્ણ થાય તે પહેલાં બીજી ઘટના અને હવે ફરી બે ટ્રકોમાંથી કેમિકલ લીકેજની ચર્ચા સામે આવતા તંત્રની દેખરેખ વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. જો વારંવાર એક જ રૂટ પર આવી ઘટનાઓ બની રહી હોય તો હેઝાર્ડ વેસ્ટના પરિવહન પર વાસ્તવમાં કેટલી દેખરેખ રાખવામાં આવે છે તે તપાસનો વિષય બન્યો છે. ખાસ કરીને દહેજ GIDCથી આમોદ તરફ જતા માર્ગ પર હેઝાર્ડ વેસ્ટનું પરિવહન થતું હોય ત્યારે ટ્રાન્સપોર્ટર, વાહન માલિક અને સંબંધિત કંપની દ્વારા જરૂરી સલામતીના નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહીં તેની નિયમિત ચકાસણી થાય છે કે નહીં તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

કેમિકલ ભરેલી ટ્રક રસ્તા પર લીક થાય અને સામાન્ય નાગરિકો તેની દુર્ગંધ વચ્ચે પસાર થવા મજબૂર બને, તો જવાબદારી માત્ર ડ્રાઈવર સુધી સીમિત રાખવી કે સમગ્ર સપ્લાય અને વેસ્ટ-ડિસ્પોઝલ ચેઇનની તપાસ કરવી, તે હવે તંત્રએ સ્પષ્ટ કરવાનું રહેશે. સ્થાનિક લોકોનું કહેવું છે કે રસ્તા પરથી વેસ્ટ હટાવી દેવું અથવા સફાઈ કરી દેવી એ આ સમગ્ર મામલાનો કાયમી ઉકેલ નથી. વેસ્ટ કઈ કંપનીમાંથી નીકળ્યો, કઈ ટ્રકમાં ભરાયો, કયા ટ્રાન્સપોર્ટર દ્વારા લઈ જવાતો હતો, માર્ગમાં લીકેજ કેવી રીતે માટે થયું અને આ ઘટનાથી પર્યાવરણ કે જાહેર આરોગ્ય પર કોઈ અસર થઈ છે કે નહીં, તેની સંપૂર્ણ અને વૈજ્ઞાનિક તપાસ થવી જોઈએ. સાથે જ ઘટનાસ્થળ અને ટ્રકમાંથી લેવામાં આવેલા સેમ્પલના રિપોર્ટને આધારે જવાબદારો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

અત્રે નોંધનીય છે કે, એક જ મહિનામાં આવી ત્રીજી ઘટના હોવાના આક્ષેપે હવે મામલો માત્ર રસ્તા પર પડેલા કેમિકલ વેસ્ટ પૂરતો રહ્યો નથી, પરંતુ હેઝાર્ડ વેસ્ટના પરિવહન અને મોનિટરિંગની સમગ્ર વ્યવસ્થા સામે સવાલ ઊભો કર્યો છે. જો નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો જવાબદારી નક્કી કરવી અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કડક નિયંત્રણો અમલમાં મૂકવા જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here