સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા વાંકલ નજીકના વેરાવી ફળિયામાં એક રહેણાંક મકાનમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના બની છે. આ દુર્ઘટનામાં નિવૃત્ત શિક્ષકના ઘરનો તમામ સામાન બળીને ખાખ થઈ જતાં પરિવારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ વીજ શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે.

વેરાવી ફળિયામાં રહેતા નિવૃત્ત શિક્ષક ચુનીલાલભાઈ ચૌધરીના મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. આસપાસના રહીશોએ તાત્કાલિક એકઠા થઈને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ આગની જ્વાળાઓ વધુ પ્રસરી જતાં સ્થાનિકોના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.

આ ભીષણ આગની લપેટમાં આવી જવાથી ઘરમાં સંગ્રહ કરવામાં આવેલું અનાજ, પશુઓ માટેનો ઘાસચારો, લાકડાં તેમજ અન્ય કિંમતી ઘરવખરી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ GIPCLની ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો, જેના કારણે આગ આસપાસના અન્ય મકાનોમાં પ્રસરતી અટકી હતી.

આગની ઘટનાની જાણ થતાં માંગરોળ મામલતદાર, વાંકલના સરપંચ, તલાટી તેમજ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કરી નુકસાની અંગે પ્રાથમિક વિગતો મેળવી હતી. હાલ આગ લાગવા પાછળ વીજ શોર્ટસર્કિટ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ, તે દિશામાં તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here