નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વન વિભાગની રેન્જ હેઠળ આવેલા સિંગલવાણ ગામના જંગલમાં ખેરનાં કિંમતી વૃક્ષોની ગેરકાયદે કટાઈ કરી લાકડાંની ચોરી થતી હોવાની ઘટના સામે આવતાં વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જંગલની સુરક્ષા માટે સિંગલવાણના જંગલમાં ખેરનાં વૃક્ષોનું ગેરકાયદે કટિંગ: ગ્રામજનોએ એક શખ્સને ઝડપ્યો, વન તંત્રની કામગીરી સામે સવાલો
ડેડીયાપાડા: સિંગલવાણ ગામના જંગલ વિસ્તારમાં વન વિભાગની દેખરેખ હોવા છતાં મોટા પાયે ખેરનાં કિંમતી વૃક્ષો કપાઈ રહ્યાં હોવાના ગ્રામજનોના આક્ષેપોથી સ્થાનિક વન તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
મળતી માહિતી મુજબ, ગત 27 નવેમ્બર 2026ની રાત્રે આશરે 10 વાગ્યાની આસપાસ સિંગલવાણના ખેડૂતો ખેતરે જઈ રહ્યા હતા, ત્યારે જંગલમાંથી લાકડાં કાપવાનો અવાજ સંભળાયો હતો. સ્થળ પર તપાસ કરતાં કેટલાક શખ્સો ખેરનાં વૃક્ષો કાપી રહ્યા હોવાનું જણાયું હતું. ગ્રામજનોએ આ અંગે ફોરેસ્ટર ગુમાનભાઈને જાણ કરતાં તેમણે પોતે બહાર હોવાનું જણાવ્યું હતું.
આ દરમિયાન લાકડાં કાપતા શખ્સોએ એક ખેડૂતને ઘેરી લઈ કટર મશીનની આરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અન્ય ખેડૂતો સમયસર દોડી આવતાં તેમનો બચાવ થયો હતો. ઘટનાસ્થળેથી ત્રણ શખ્સો ભાગી છૂટ્યા હતા, જ્યારે ગ્રામજનોએ એક શખ્સને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા શખ્સે કુલ આઠ લોકો હોવાનું અને મોસ્કુવાના વેપારી સુરેશભાઈ વસાવા દ્વારા તેમને બોલાવવામાં આવ્યા હોવાનું તેમજ વોચમેનની જાણ હોવાનું જણાવ્યું હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, 10-15 દિવસ અગાઉ પણ અહીં ખેરનાં વૃક્ષો કપાયાં હતાં અને લાકડાં બહાર કાઢવા જંગલમાં રસ્તો પણ બનાવાયો છે. આ મામલે વોચમેન ફૂલસિંગભાઈ વસાવાએ રાત્રિના સમયે એકલા જવામાં અસમર્થતા દર્શાવી અજાણતા વ્યક્ત કરી હતી, જ્યારે ફોરેસ્ટર ગુમાનભાઈએ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ, ડેડીયાપાડાના RFO ભાવિનભાઈએ ‘માત્ર એક લાકડું કપાયું છે’ તેવો ઉડાઉ જવાબ આપતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર પ્રકરણમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.






