નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલી પટેલ ચાલીમાં મંગળવારે બપોરે અચાનક આગ ફાટી નીકળતાં ત્રણ કાચાં મકાનો આગની લપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં એક પરિવારની ઘરવખરી, સોના-ચાંદીના દાગીના અને લાખો રૂપિયાની રોકડ રકમ બળીને રાખ થઈ ગઈ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ફાયર બ્રિગેડની ટીમ દોઢ કલાક મોડી પહોંચતા સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોની જહેમતથી આગ કાબૂમાં આવી
મળતી માહિતી મુજબ, 17 નવેમ્બરના રોજ બપોરે અંદાજે 12:30 વાગ્યાના અરસામાં પટેલ ચાલીમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં ત્રણ મકાનોને ઝપેટમાં લઈ લીધા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ડેડિયાપાડા ગ્રામ પંચાયતના પાણીના બંબા તેમજ આજુબાજુના ઘરોની બોર મોટરના પાઇપ વડે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
ગરીબ પરિવારની જીવનભરની મૂડી સ્વાહા
આ આગમાં મુકેશભાઈ મથુરભાઈ પટેલના મકાનમાં ભાડેથી રહેતા હેતલબેન રાકેશભાઈ વસાવાના ઘરનો તમામ સામાન, દાગીના અને રોકડ રકમ બળીને ખાક થઈ ગયા છે. બાજુમાં આવેલા સતિષભાઈ હીરુભાઈ પટેલ અને તારાબેન જયંતીભાઈ પટેલના મકાનો ખાલી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
ફાયર બ્રિગેડ દોઢ કલાક મોડું પહોંચતા સવાલો ઉઠ્યા
આગ લાગ્યાના અંદાજે દોઢ કલાક બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યાં સુધીમાં બધું જ બળીને રાખ થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) અને ડેડિયાપાડા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.
કાયમી ફાયર સ્ટેશન અને વળતરની ઉગ્ર માગ
ડેડિયાપાડા, સાગબારા અને ચીકદા તાલુકામાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોવા છતાં કાયમી ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાથી લોકોમાં રોષ છે. સ્થાનિકોએ અસરગ્રસ્ત પરિવારને તાત્કાલિક સરકારી સહાય ચૂકવવા અને ત્રણેય તાલુકામાં કાયમી ફાયર સ્ટેશન ઊભું કરવા ઉગ્ર માગ કરી છે. જો તંત્ર દ્વારા વહેલી તકે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં જનઆંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.






